Ahmedabad: ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. જેથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે.
ચાર નવી ફ્લાઇટનું ટાઇમ ટેબલ
અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઇટ સોમવાર અને બુધવાર શુક્રવાર અને શનિવારે ઉડાન ભરશે. જે 4:25 વાગ્યે અમદાવાદથી ઉડાન ભરશે અને સાંજે 7:05 વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. જ્યારે ત્રિવેન્દ્રમથી આ ફ્લાઇટ સાંજે 7:35 વાગ્યે ઉડાન ભરશે અને અમદાવાદ રાત્રે 9:55 વાગ્યે પહોંચશે.
અમદાવાદથી કોચીન ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ચાલશે. જે અમદાવાદ ઍરપૉર્ટ પરથી બપોરે 4:25 વાગ્યે ઉડાન ભરશે અને કોચીન સાંજે 6:45 વાગ્યે પહોંચશે. જ્યારે કોચીનથી અમદાવાદ આવવા માટે સાંજે 7:15 કલાકે કોચીનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદથી ગુવાહાટી જવા માટેની ફ્લાઇટ રોજ સવારે 8:30 વાગ્યે ઉડાન કરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે. જ્યારે ગુવાહાટીથી અમદાવાદની ફ્લાઇટ સાંજે 4:55 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 8:35 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અમદાવાદ ઍરપૉર્ટ પરથી કોલકાતા જવા માટેની ફ્લાઇટ રોજ રાત્રે 9:20 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે. જ્યારે કોલકાતાથી અમદાવાદ માટે બપોરે 12:50 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.
અમદાવાદ ઍરપૉર્ટ પર પ્રાઇવેટ એરક્રાફ્ટની અવરજવર વધી
દિલ્હી અને મુંબઈ ઍરપૉર્ટ બાદ હવે અમદાવાદ ઍરપૉર્ટ ઉપર પણ પેસેન્જર ટ્રાફિક વધતો જાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટની સંખ્યા પણ વધારે છે. હવે પ્રાઇવેટ એરક્રાફ્ટની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ અમદાવાદ ઍરપૉર્ટ પર 15 જેટલા પ્રાઇવેટ એરક્રાફ્ટ પાર્કિંગ એરિયામાં જોવા મળે છે.