Ahmedabadમાં વધી રહેલા ગુનાહિત બનાવોને જોતા શહેર પોલીસે સોમવારે રાત્રે 11 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કોમ્બિંગ કર્યું હતું. શહેર ક્રાઈમ બ્રાન્ચ, સેક્ટર-1, સેક્ટર-2, ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક પોલીસ અને તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરની ટીમો દ્વારા એક સાથે હાથ ધરાયેલા કોમ્બિંગ દરમિયાન શહેરમાં 21 હજારથી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નશાની હાલતમાં મળી આવેલા 470 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે પ્રોહિબિશનનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમની મેડિકલ તપાસ કરાવવા માટે મંગળવારે સવારથી બપોર સુધી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાહનોની કતારો જોવા મળી હતી. શહેર પોલીસે મંગળવારે રાત્રે પણ કોમ્બિંગ હાથ ધર્યું હતું.

શહેરના સેક્ટર-1 અને 2ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે 11 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી 21 હજારથી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા 1741 વાહનો ડીટેઈન કર્યા છે. જેમાં સેક્ટર-1 વિસ્તારમાં સૌથી વધુ 1113 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. સેક્ટર-2 વિસ્તારમાંથી 628 વાહનો ડીટેઇન કરાયા હતા. આ એવા વાહનો છે જેમના ડ્રાઇવર અને માલિકો પાસે જરૂરી દસ્તાવેજો નહોતા અથવા તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. નિયમોની અવગણના કરનારા વાહનચાલકો પાસેથી 12 લાખ 82 હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. 1685 ચલણ જારી કરવામાં આવ્યા છે. કોમ્બિંગ નાઈટમાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર તમામ પોલીસ સ્ટેશનના પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને ટ્રાફિક પોલીસની ટીમો પણ હાજર રહી હતી.

152 નશામાં વાહન ચલાવતા ઝડપાયા
એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરના જણાવ્યા અનુસાર કોમ્બિંગ નાઇટ દરમિયાન 152 ડ્રાઇવરો દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતા પકડાયા હતા. તેમની સામે મોટર વ્હીકલ એક્ટ 185 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આવા સૌથી વધુ 143 ડ્રાઇવરો સેક્ટર-2 વિસ્તારમાં (પૂર્વ અમદાવાદ) જ્યારે 54 પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં પકડાયા હતા. એટલું જ નહીં અન્ય 470 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આમાંના ઘણા બુટલેગરોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં લોકો દારૂ પીતા જોવા મળ્યા હતા. જેમાં સેક્ટર 1 વિસ્તારમાંથી સૌથી વધુ 276 અને સેક્ટર 2 વિસ્તારમાંથી 194 ઝડપાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આટલી મોટી સંખ્યામાં લોકો પહેલીવાર નશાની હાલતમાં ઝડપાયા છે. 31મી ડિસેમ્બરની રાત્રે થયેલી કાર્યવાહી દરમિયાન પણ આટલા લોકો પકડાયા નથી. આવા સંજોગોમાં હવે સવાલ એ ઊભો થાય છે કે શહેરમાં દારૂ પર પ્રતિબંધ છે તો આ લોકો દારૂ ક્યાંથી લાવીને પીવે છે. શું શહેરમાં દારૂબંધીનો કડક અમલ થતો નથી?