અમદાવાદ, ચેપ્ટર કેસમાં જામીન લેવા આવેલા યુવક પાસેથી રૂ.દસ હજાર બારોબાર લઈ અસલ અધિકૃત પહોંચ આપવાને બદલે હસ્તલિખિત ખોટી પહોંચ આપવાના પ્રકરણમાં સંડોવાયેલા ધંધુકા મામલતદાર કચેરીના આરોપી કલાર્ક મનોજ આર.શાહની આગોતરા જામીન અરજી અત્રેની સ્પેશ્યલ ACB court આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
ACB court: ચેપ્ટર કેસમાં જામીન લેવડાવવા રોકડા દસ હજાર લઈ પહોંચ ના આપી, બાદમાં આપી તો પણ ખોટી આપી ધંધુકાના ચેપ્ટર કેસમાં ગણપતભાઈ,
કાનજીભાઇ જામ્બુકીયાના બે સગા નાના ભાઈઓના રૂ.પાંચ-પાંચ હજારના જામીન લેવડાવવા મામલતદાર કચેરીના આરોપી કલાર્ક મનોજ આર.શાહ પાસે પહોંચ્યા ત્યારે તેમણે ગણપતભાઈ પાસેથી રૂ.દસ હજાર બારોબાર લઈ તેની પહોંચ આપી ન હતી. ગણપતભાઈ ૨૦૧૨થી અસલ પહોંચ મેળવવા પ્રયાસો કર્યા હતા, આખરે એક વર્ષ બાદ કલાર્ક મનોજ આર.શાહે અસલ અધિકૃત પહોંચ આપવાના બદલે હસ્તલિખિત ખોટી પહોંચ આપી હતી. જેથી આ મામલે ગણપતભાઈએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે આ સમગ્ર મામલામાં ચાર સપ્તાહમાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. જેને પગલે ACB court કલાર્ક મનોજ આર.શાહને નોટિસ ફટકારતાં સંભવિત ધરપકડથી બચવા આરોપી કલાર્કે આગોતરા જામીન અરજી કરી હતી.
જેનો વિરોધ કરતાં અધિક સરકારી વકીલ વી.કે.રાવે સુપ્રીમકોર્ટ અને | હાઈકોર્ટના સંબંધિત ચુકાદા રજૂ કરી જણાવ્યું હતું કે, આ દેશમાં ભ્રષ્ટાચારે જાણે માઝા મૂકી છે. સરકારી તંત્રમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા લાંચ લેવાનું દૂષણ ઉભુ થયુ છે, જે વ્હાઈટ કોલર ક્રાઈમની લાક્ષણિકતા છે અને તેના કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે. ત્યારે આવા સમાજ વિરોધી ભ્રષ્ટાચારના ગુનામાં આરોપીને કોઈપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી.