આજરોજ આમ આદમી પાર્ટીના(AAP) નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી Gopal italiaએ સંકલ્પભૂમિ વડોદરા ખાતે જઈને, બાબાસાહેબ જે વૃક્ષ નીચે બેસીને રડતી આંખએ સંકલ્પ લીધો હતો તે પવિત્ર અને શક્તિશાળી જગ્યાના દર્શન કર્યા. ગોપાલભાઈ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આજે મનમાં એક સંકલ્પ લીધો છે કે, ભારતના બંધારણના આદર્શોને સમાજમાં ખરા અર્થમાં સ્થાપિત કરવા માટે હું મારી ક્ષમતા અને સમજણ મુજબના પ્રયત્નો કરીશ. મેં સંકલ્પ કર્યો છે કે, હું મારા બાળકોને એક ભેદભાવમુક્ત, સમતામુલક વિચારો આપવાનો પ્રયત્ન કરીશ.

વધુમાં AAP રાષ્ટ્રીય નેતા Gopal italiaએ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, ડૉ૰ બાબાસાહેબ આંબેડકર જ્યારે વિદેશમાંથી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને ભારત પરત આવીને, વડોદરા આવ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે ભણવા માટે શિષ્યવૃત્તિ આપેલ હતી અને શરત રાખેલ કે, ભણીને પાછા આવો તો વડોદરા રાજ્યમાં સરકારી નોકરી કરવી પડશે. બાબાસાહેબ એ જમાનામાં ૧૯૧૬-૧૭ના સમયમાં વિદેશથી ભણીને વડોદરા નોકરી કરવા માટે આવેલા હતા પરંતુ તેઓને તેમની જ્ઞાતિના કારણે વડોદરામાં રહેવા માટે ઘર ભાડે મળેલ નહીં. ધર્મશાળાઓ કે જાહેર ઉતારાઓવાળાએ પણ બાબાસાહેબને રહેવા માટે ભાડે ઘર આપેલ નહીં. અંતે બાબાસાહેબે મજબૂરીવશ પોતાની ઓળખ છુપાવીને, પોતે પારસી નામ ધારણ કરીને પારસી ધર્મશાળામાં રૂમ ભાડે મેળવેલ હતો. થોડાક દિવસ પછી પારસીઓને ખબર પડતા તેઓએ ટોળાના સ્વરુપે આવીને, બાબાસાહેબને અપમાનિત કરીને ધર્મશાળામાંથી કાઢી મૂક્યા હતા.

બાબાસાહેબ પોતે અત્યંત આઘાતમાં હતા. વડોદરામાં તેમના માટે રહેવાનો કોઈ આશરો ન રહ્યો. પોતે વિદેશમાં જઈને ઉચ્ચશિક્ષણ મેળવેલ હોવા છતાંય માત્ર જ્ઞાતિ આધારિત ભેદભાવનાં કારણે તેમને આ અપમાન સહન કરવું પડ્યું તે બાબતની પીડા સાથે તેઓ વડોદરાના કમાટીબાગના એક ઝાડ નીચે બેઠા અને ચોધાર આંસુએ રડ્યાં. રડતી આંખોએ એમણે એક મહાન સંકલ્પ લીધો. એ દિવસ એટલે કે આજનો સંકલ્પ દિવસ. ડૉ૰ બાબાસાહેબે શું સંકલ્પ લીધો? બાબાસાહેબે રડતી આંખોએ સંકલ્પ કર્યો કે, હું ભારતમાંથી ભેદભાવમુક્તિ માટે, સમાનતા માટે, ન્યાય માટે અને આભડછેટ દૂર કરવા માટે જીવનભર સંઘર્ષ કરીશ. એમના સંઘર્ષના પરિણામે આપણને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ “ભારતનું બંધારણ” મળ્યું. ભારતના બંધારણના આમુખમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, અને બંધુતાના ઉચ્ચ આદર્શોને સ્થાન આપવામાં આવ્યું.

આપણે શું સંકલ્પ લેવાનો છે? બાબાસાહેબે સમાજમાંથી ભેદભાવ દૂર કરવાનો સંકલ્પ લીધો હતો. આજે પણ સમાજના અનેક પ્રકારના ભેદભાવ જોવા મળે છે. જ્યાં સુધી સમાજ ભેદભાવથી મુક્ત ન થાય ત્યાં સુધી બાબાસાહેબનું કાર્ય અધૂરું ગણાય માટે ભારતના નાગરિક તરીકે આપણો સંકલ્પ એટલો જ હોવો જોઈએ કે સમતામુલક, ન્યાયપ્રિય અને બંધુત્વ ભાવનાવાળો સમાનતાભર્યો સમાજ ન બને ત્યાં સુધી આપણા પ્રયત્નો ચાલુ રહેવા જોઈએ. બાબાસાહેબને વડોદરામાં રહેવા માટે ઘર ભાડે મળ્યું ન હતું એ વાત ૧૦૦ વર્ષ જૂની છે, પણ આજે’ય દલિતોને મકાન ભાડે મળવામા પારાવાર મુશ્કેલી થાય છે. ભેદભાવની વાત માત્ર દલિતો પૂરતી મર્યાદિત નથી. અલગ અલગ જ્ઞાતિઓ એકબીજા સાથે રહેવા તૈયાર નથી. અપરણિત પુરુષોને ભાડે મકાન મળતા નથી. એકલી રહેતી છોકરીઓને ભાડે મકાન મળતા નથી. ભાડે રહેવાવાળા લોકો સાથે મકાનમાલિકનું વર્તન ભેદભાવભર્યું અને બેહૂદુ હોય છે.

ટૂંકમાં સમાજમાં જ્ઞાતિ જ્ઞાતિના આધારે, કામના પ્રકાર આધારે, આર્થિક ક્ષમતા આધારે, ચામડીના કલર આધારે અને ગ્રામીણ-શહેરી જેવી બાબતો આધારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ભેદભાવ થાય છે. આ તમામ પ્રકારનો ભેદભાવ નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે, કર્તવ્ય છે. તંદુરસ્ત સમાજ હંમેશા ભેદભાવમુક્ત હોવો જોઈએ. સાથીઓ, ભેદભાવ નાબૂદ કરવો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે પરંતુ રાતોરાત કોઈ બદલાવ નથી આવવવાનો પણ જેમ જેમ આપણા આસપાસના વિચારો બદલતા જઈશું એમ એમ એક દિવસ જરૂર કાંઈક પરિવર્તન આવશે. મારા એકલાથી શું ફરક પડવાનો એવી માનસિકતા ત્યાગીને આપણે સૌએ યથાશક્તિ કામ કરવું જોઈએ.