Gujarat: રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સર્વિસ 24*7 વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે 108 ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.66 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 55.49 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 20.32 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. જ્યારે, એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ 1.43 લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

108 ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨થી કાર્યરત 414 જેટલી ખિલખિલાટ વાનનો 1.13 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૨૫૬ વાન થકી 2.79 કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 14.79 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 2.97 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

ગુજરાતમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ 50.44 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 742 જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના 7 જિલ્લાઓમાં વર્ષ 2019થી કાર્યરત 112 ઇમરજન્સી સેવા અંતર્ગત 1.47 કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, વર્ષ 2020માં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ ૨૦૨૩માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ 586 વાન સેવારત છે, જેમાં 70 લાખથી વધુ પશુઓની સારવાર પણ કરવામાં આવી છે.