Ambaji: તિરૂપતિ મંદિરમાં લાડુના પ્રસાદમાં અશુધ્ધતાની જાણ થતાં જ ટ્રસ્ટે ગુજરાતમાં એનડીડીબીની લેબોરેટરીમાં ચકાસણી કરવા નક્કી કર્યુ છે. આ લેબ પરિક્ષણમાં પશુની ચરબીની ભેળસેળ થતી હોવાનુ બહાર આવ્યુ છે. જોકે, અંબાજી મંદિરમાં ય હલકી ગુણવત્તાના ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જાણ થતાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી હતી. એટલુ જ નહીં, અશુધ્ધ ઘીના ૧૮૦ ડબા જપ્ત કર્યા હતાં. તપાસમાં એવુ બહાર આવ્યુ હતુંકે, ઘીના ડબ્બા પર સાબરડેરીના ડુપ્લીકેટ લેબલ લગાવાયા હતાં. તે વખતે મોહનથાળ બનાવતા મોહીની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરી દેવાયો હતો. ઘીના સેમ્પ્લ એફએસએલથી માંડીને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબમાં મોકલાયાં હતાં.

Ambaji મંદિર ટ્રસ્ટે મોહનથાળની NDDB લેબમાં કેમ ચકાસણી કરાવી નહી, સવાલો ઊઠયા

આ આખીય ઘટનાને એક વર્ષ વિતવા આવ્યુ છે ત્યારે અશુધ્ધ ઘીમાં શું હતું? તે અંગેનો રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી. આ ઉપરાંત અશુધ્ધ ઘીનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ખુદ Ambaji મંદિરના ટ્રસ્ટે એનડીડીબી જેવી સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કેમ ચકાસણી કરાવી નહી?. આ અગાઉ પણ દૂધને બદલે દૂધ પાવડર નાંખીને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે પણ કેટરર્સ સામે પગલાં લેવાને બદલે સહાનુભૂતિ દાખવવામાં આવી હતી. હાલ પણ મોહનથાળ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અશુધ્ધ ઘીનો ઉપયોગ કરનારને જ આપી દેવાયો છે. આમ, ભેળસેળયુક્ત પ્રસાદને લઇને થયેલાં વિવાદ પર હાલ ઠંડુ પાણી રેડી દેવાયુ છે.