Ambaji: ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠી છે. મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ, દર્શન, પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી, છાશ અને લીંબુ શરબતના સ્ટોલ પણ માઇભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે.

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનુ અંબાજી ખાતે તારીખ ૧૫/૦૯/૨૦૨૪ થી ૧૭/૦૯/૨૦૨૪ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, હડાદ રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે.

જેમા તારીખ ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ ભાવિન સોલંકી તારીખ ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ ઈન્દિરાબેન શ્રીમાળી તથા તારીખ ૧૭/૦૯/૨૦૨૪ ના રોજ અરવિંદ વેગડા પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે. આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ૦૩:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ નો રહેશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભકતો ઉપસ્થિત રહે તેવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યુ છે.