Paryushan: પર્વાધિરાજ પર્યુષણમાં આવતીકાલે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં આવશે. ભૂતકાળની ભૂલોનો પશ્ચાત્તાપ કરવો. વર્તમાનમાં પાપથી વિમુખ રહેવું અને ભવિષ્યમાં પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ કરવો, એ જ છે પ્રતિક્રમણ. પાપથી પાછા હઠવાની આ ક્રિયા અવશ્ય કરવી જોઈએ, માટે એને ‘આવશ્યક’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં મહણસિંહનું ચરિત્ર યાદ કરવા જેવું છે.

Paryushan: આચાર્ય દેવસુંદરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત અને છ દર્શનોનો પોષક એવો મહણસિંહ દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તુધલઘના રસાલામાં સાથે ચાલતો હતો. એવામાં સૂર્યાસ્ત થવાનો થોડો સમય બાકી હોવાથી મહણસિંહ પોતાના ઘોડાને એક બાજુ તારવી પ્રતિક્રમણ કરવા બેસી ગયા. બાદશાહે આ હકીકત જાણી. તેનાથી એમને પરમ આશ્ચર્ય થયું અને કહ્યું ‘જંગલમાં આવી રીતે એકલા બેસવામાં કેટલું બધું જોખમ હોય છે, તે જાણો છો? આસપાસ શત્રુઓ ભમે છે અને તે તમને પકડીને મારી નાખે તો શું થાય ? તમારે ભવિષ્યમાં આવું સાહસ કરવું નહીં.’ ત્યારે મહણસિંહે કહ્યું, ‘જીવન ધર્મ માટે છે. ધર્મ કરતાં મૃત્યુ આવે તોય આવકાર્ય છે. જંગલ હોય કે સ્મશાન, મકાન હોય કે મેદાન, સૂર્યાસ્ત સમયે હું એકાંત શોધીને અવશ્ય પ્રતિક્રમણ કરું છું.’

Paryushan: પ્રતિક્રમણની ક્રિયાથી વ્યક્તિનો આત્મા પાપના બોજથી હળવો બને છે અને તેને પરિણામે એનું મન શાંત-પ્રશાંત બને છે તથા ચિત્ત અંતર્મુખ થાય છે.

પ્રતિક્રમણનો આવો છે મહિમા. એમાં સર્વોપરિ છે સાંવત્સરિક પ્રતિક્રમણ. સાંવત્સરિક પ્રતિક્રમણમાં સમગ્ર વર્ષ દરમિયાન જાણતાં કે અજાણતાં કરેલી ભૂલો, દોષો કે પાપોનું પ્રાયશ્ચિત કરવાની સાથે સાથ જગતનાં સર્વ જીવો પ્રત્યે ક્ષમા માગવામાં આવે છે અને એમ કરીને આત્મા પોતાના પાપ-કર્મોને ફેરવી નાખે છે.

આમ ‘પ્રતિક્રમણ’ શબ્દ ‘પ્રતિ’ અને ‘ક્રમણ’ એમ બે શબ્દોનો બનેલો છે. શાસ્ત્રીય દ્રષ્ટિએ એનો શબ્દાર્થ કરીએ તો ‘પ્રતિ’ એટલે ‘પાછું’ અને ‘ક્રમણ’ એટલે ‘ચાલવું’. અર્થાત્ અહીં પાછા ફરવાની વાત છે.

આમ પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું, વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવવું. પરઘરમાંથી સ્વઘરમાં આવવું. અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું. સ્થિર થવું તેમ જ કરેલાં પાપનો સાચા દિલથી પશ્ચાત્તાપ કરીને ક્ષમાભાવ જગાડવો અને જાળવવો.

પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. આ રીતે આખા વર્ષ દરમિયાન પરભાવ-દશાના પંથે દૂરસુદૂર પહોંચી ગયેલા આત્માને સ્વભાવદશામાં લાવવાની આ ક્રિયા છે. પ્રતિક્રમણની ક્રિયાથી વ્યક્તિનો આત્મા પાપના બોજથી હળવો બને છે અને તેને પરિણામે એનું મન શાંત-પ્રશાંત બને છે તથા ચિત્ત અંતર્મુખ થાય છે. આવા પ્રતિક્રમણને અંતે આરાધકને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનો અનુભવ થાય છે. -કુમારપાળ દેસાઈ