Gujarat: સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું સાતમું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે. રાજ્યભરમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા આ ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ,પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિવિધ પોષણલક્ષી થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આ થીમ શું છે? આ થીમ અંતર્ગત કેવા કાર્યક્રમો યોજાશે તે જાણીએ.
થીમ-૧ એનિમિયા:
એનિમિયાએ સ્વાસ્થ્યને લગતી ચિંતા છે, જે મુખ્યત્વે નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા તથા ધાત્રી માતાઓને અસર કરે છે. કિશોરાવસ્થાનો સમયગાળો એ યુવા કિશોરોમાં પોષણ સંબંધી કોઈપણ ખામીઓને સુધારવાની તકનો યોગ્ય સમયગાળો છે જેથી ભવિષ્યની પેઢીઓ પર એનિમિયાની પેઢી દર પેઢીની અસરોને અટકાવી શકાય.
એનિમિયા હંમેશાં જન આંદોલનના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. અત્યાર સુધીમાં એનિમિયા પર લગભગ ૮ કરોડથી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. એનિમિયાની આસપાસના મુદ્દાઓને મહત્વ આપવા માટે વિશાળ જનસમુદાયને જાગૃત કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એનિમિયા સંબંધિત થીમ અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં ૩૫ કરોડથી વધુ જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
થીમ ર: વૃધ્ધિ દેખરેખ :
મિશન પોષણ ૨.૦ માં ગ્રોથ ચાર્ટ દ્વારા બાળકની વૃદ્ધિ અને વિકાસની પેટર્નને ટ્રેક કરવામાં આવે છે. આ ચાર્ટ મુખ્યત્વે માનવમિતિ (એન્થ્રોપોમેટ્રિક) માપ જેમ કે ઊંચાઈ, વજન વય અને લિંગ જેવા ધોરણો સામે બાળકના વિકાસને મોનિટર કરે છે. આંગણવાડી કાર્યકરો નિયમિત બાળકની વૃદ્ધિ યોગ્ય છે કે કેમ તેનું મૂલ્યાંકન કરી બાળકની પોષણ સ્થિતિ નક્કી કરી જે તે બાળકની જરૂરીયાત મુજબનો ખોરાક આપે છે. દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં ૦ થી ૬ વર્ષના ૮.૫૭ કરોડ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી.
થીમ ૩: પૂરક ખોરાક
બાળકોના યોગ્ય વિકાસને સુનિશ્ચિત કરવામાં આ થીમ મદદરૂપ થશે. બાળકોને ૬ મહિનાની ઉંમર પછી પોષક તત્ત્વોની જરૂરિયાત માતાના દૂધ દ્વારા પૂરી પાડવામાં આવતી જરૂરિયાત કરતાં વધે છે જેને પહોંચી વળવા પૂરક ખોરાક જરૂરી છે. ૬ મહિના પછી બાળક માતાના દૂધ સિવાયના અન્ય ખોરાક માટે યોગ્ય રીતે તૈયાર હોય છે તે પૂરક આહારની શરૂઆતનો યોગ્ય સમય છે. આ આશયથી આ થીમ પોષણની ગુણવત્તા, પ્રમાણ અને કેટલા સમયાંતરે ખોરાક આપવો તે વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવશે.
થીમ 4: પોષણ ભી પઢાઈ ભી (PBPB)
રાજ્ય સરકાર દ્વારા બાળકોને જન્મથી લઈને તે યુવાન બને ત્યાં સુધી યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે તમામ સ્તરે અનેક યોજનાઓ કાર્યરત છે. બાળકો પોષણની સાથે ભણતરનું મહત્વ સમજે તે હેતુથી આ થીમ નક્કી કરવામાં આવી છે.
મિશન પોષણ ૨.૦ ના બાળકોના વિકાસને વધુ મજબૂત કરવા બાળપણના શિક્ષણ માટે બે નવા શિક્ષણ માળખા પણ શરૂ કરાયા છે. નવચેતના-જન્મથી ત્રણ વર્ષ સુધીના બાળકો માટે અર્લી ચાઇલ્ડહુડ સ્ટીમ્યુલેશન માટે રાષ્ટ્રીય માળખું, ૨૦૨૪” અને “આધારશિલા કે જે ત્રણ થી છ વર્ષના બાળકોને સંભાળ અને શિક્ષણ માટે PBPBની શરૂઆત કરવામાં આવી હતી.
થીમ 5: સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેકનોલોજી
દેશની મહિલાઓ અને બાળકોને યોગ્ય પોષણ આપવાના હેતુસર અનેક પોષણલક્ષી યોજનાઓ કાર્યરત છે. આ તમામ યોજનાઓનો લાભ સંપૂર્ણ પારદર્શીતાથી તમામ તાગરીકો સુધી પહોંચે તેની ખાતરી કરવામાં આ થીમ મદદરૂપ બનશે.
આંગણવાડીઓમાં મકાન, શૌચાલય અને પીવાના પાણી જેવી માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તેમને ટેક હોમ રાશન જેવા પૂરક પોષણ આપવા, લાભાર્થીઓના મોબાઈલ નંબરની ચકાસણી, આધાર ચકાસણી વગેરે માટે ટેક્નોલોજી આધારિત ડેટા વેરિફિકેશન ઝુંબેશ સમગ્ર ભારતમાં ચલાવામાં આવે છે.
આ થીમ સર્વગ્રાહી પોષણ એટલે કે, પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્વોને આવરી લે છે. સંપૂર્ણ પોષણ માહ દરમિયાન આ થીમ આધારીત કાર્યક્રમો ઉપરાંત એક પેડ મા કે નામ, સ્વાસ્થ્ય માટે યોગ, સુખાકારી માટે આયુષ, વૃક્ષારોપણ અભિયાન, રસીકરણ વગેરે જેવા અનેક સમુદાય આધારિત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.