આજે શ્રી Kalpasutra ના વાચનનો પ્રારંભ થશે. કલ્પ એટલે આચાર. Kalpasutra એ આચારની ઓળખ આપે છે અને એવો આચાર જેમના જીવનમાં પ્રગટ્યો એવાં તીર્થંકરનાં ચરિત્રો અને ગણધર ગૌતમથી શરૂ કરીને સ્થવિરોની પરંપરા એમાં મળે છે અને એ રીતે Kalpasutra જીવનમાં આચારનો મહિમા કરે છે.

શ્રી કલ્પસૂત્ર એ જિનદર્શન, જિનશરણ અને જિનભક્તિ એમ ત્રણેની વાત કરે છે

તીર્થંકરોનાં ચરિત્રોમાં એમના તપ, ત્યાગ અને તિતિક્ષાનું વર્ણન છે. એમાં પણ વિશેષે ભગવાન મહાવીરસ્વામીનું વિસ્તૃત ચરિત્ર મળે છે અને એ સાથે ભગવાન પાર્શ્વનાથ, ભગવાન ઋષભદેવ અને ભગવાન નેમિનાથનું ચરિત્ર આલેખાયેલું છે. ભગવાન મહાવીર સત્યના પ્રયોગવીર હતા. અહિંસાને આચરણમાં મૂકનાર હતા, એમના સાધનાકાળમાં એમને અનેક ઉપસર્ગો અને આપત્તિઓ સહન કરવા પડ્યા અને તેની સામે એમણે આત્મવિજય મેળવ્યો. આ બધી ઘટનાઓનું વર્ણન દર્શાવે છે કે ધર્મની ભાવનાને આચરણમાં મૂકવી આવશ્યક છે. આથી જ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ના ચૌદમા અધ્યાયમાં લખ્યું છે કે ‘જે રાત્રિઓ વીતી જાય છે, તે પાછી આવતી નથી, જ્યારે ધર્મનું આચરણ કરનાર મનુષ્યની રાત્રિઓ સફળ થાય છે.’ શ્રી કલ્પસૂત્રમાં પ્રારંભે સંસારનાં દુઃખમય સ્વરૂપનું વર્ણન છે. ચારે બાજુ અસત્ય, અનાચાર, અહંકાર તથા રાગ અને દ્વેષ જોવા મળે છે.

આવી પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની ક્રિયા તે જૈનદર્શન. આપણાં સતત ઉત્પાદન પામતાં કર્મોને નાશ કરવાની ક્રિયા તે જિનશરણ અને દુઃખમય સંસારની ક્ષણિકતામાંથી શાશ્વત સુખ તરફ જવાનો માર્ગ તે જિનભક્તિ. શ્રી કલ્પસૂત્ર એ જિનદર્શન, જિનશરણ અને જિનભક્તિ એમ ત્રણેની વાત કરે છે અને તેથી એના પ્રારંભે દુ:ખનો નાશ કઇ રીતે થઇ શકે, તે વિશે વાત કરે છે. આ દુ:ખનો નાશ એ તો વૃક્ષની ડાળીઓનો નાશ કરવા જેવું છે. હકીકતમાં દુઃખક્ષય કરતાં પાપક્ષયનો વિચાર કરવો જોઇએ.

આચાર્ય ભદ્રબાહુસ્વામીએ રચેલા ‘દશાશ્રુતસ્કંધ’ નામના ગ્રંથના દસ અધ્યયનમાંથી આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્રકલ્પ છે. આ ગ્રંથમાં ‘અધ્યયન’ શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માત્ર સ્મરણ, વિચાર કે ચિંતનનો ગ્રંથનથી. પઠન-પાઠનથી એ તત્ત્વને અંતરમાં ઉતારવું તેનું નામ અધ્યયન, એમાં વાચન, દોહન અને ચિંતન ત્રણે એકત્રિત થાય છે. -કુમારપાળ દેસાઈ