Gujarat rain: રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના સોનગઢમાં 10 ઇંચ અને વ્યારા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 6 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ, રાજ્યના આશરે 22 તાલુકામાં 3 ઇંચથી વધુ, 39 તાલુકામાં 2 ઇંચથી વધુ, 45 તાલુકામાં 1 ઇંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 183 તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 4 સપ્ટેમ્બર, 2024ના રોજ સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૫ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 117 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 95 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો.