Junagadh: સોમવારે ભાદરવી અમાસ છે. આ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ અને સ્નાન વિધિ કરવા લાખો । ભાવિકો ઉમટી પડશે. આજે રાતથી સોનાપુરી ખાતેથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. રાવટીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સ્નાન વિધિ દરમ્યાન ડૂબવાના બનાવ ન બને તે માટે તરવૈયાઓની ચાર ટીમ તહેનાત કરવામાં આવી છે. આજથી જ દામોદર કુંડ ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડી છે.
Junagadh:તરવૈયાઓની ચાર ટીમ તહેનાત, સોનાપુરીથી તળેટી તરફ જવા વાહન વ્યવહાર બંધ કરાયો, ૧૨૫ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત
Junagadh: ભાદરવી અમાસના દિવસે પિતૃ | તર્પણ અને સ્નાન વિધિનું અનેરૂ મહત્વ | છે. પ્રાચીન દામોદર કુંડ પિતૃઓના મોક્ષાર્થે મોક્ષ પીપળા ખાતે પાણી રેડી, | દાન પુણ્ય કરી પુણ્યનું ભાથુ બાંધવા લાખો ભાવિકો આવે છે. તળેટી વિસ્તારમાં માનવ મેદનીથી મેળાનો માહોલ સર્જાયો છે. પિતૃ તર્પણ કરવા ભીડ થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આજથી જ દામોદર કુંડ ખાતે પહોંચી ગયા હતા. ભીડને ધ્યાને લઈ આજે રાત્રિથી જ સોનાપુરીથી તળેટી તરફ જતો રસ્તાને એક માર્ગીય કરવામાં આવ્યો છે.
ટ્રાફિકને ધ્યાને રાખી તંત્ર દ્વારા આજે રાતથી આવતી કાલ બપોર સુધી દામોદર કુંડ તરફ જતા વાહન વ્યવહાર | બંધ કરવામાં આવ્યો છે. જેથી ભાવિકો પગપાળા દામોદર કુંડ ખાતે પહોંચશે. સોનાપુરી થી તળેટી સુધીના માર્ગો પર એક ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, હોમગાર્ડ, ટ્રાફિક અને મહિલાકર્મી સહિત ૧૨૫ પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે. સોનાપુરી પાસે અને દામોદર કુંડ ખાતે ખાસ રાવટી રાખવામાં આવી છે. વહેલી સવારથી પાજનાકા પુલ અને અશોક શિલાલેખ પાસે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, શરબત તથા ફરાળ સહિતનો પ્રસાદ આપવામાં આવશે.
જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ દામોદર કુંડમાં પાણીની અવિરત આવક થઈ રહી છે. આવતીકાલે સ્નાનવિધિ અને પિતૃ તર્પણ કરવા આવતા ભાવિકો કુંડમાં ડૂબે નહીં તે માટે ફાયર વિભાગની ચાર ટીમો સ્વિમિંગ કીટ, ટાયર સહિતના સાધનો સાથે દામોદર કુંડના ઘાટની બંને સાઈડ પર તરવૈયાઓને રાખવામાં આવ્યા છે.