Jharkhand: ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી પ્રક્રિયા દરમિયાન અગિયાર ઉમેદવારોના મોત થયા હતા. આ મૃત્યુ 22 ઓગસ્ટથી શરૂ થયેલા શારીરિક પરીક્ષણ દરમિયાન થયા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી.

પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) અમોલ વી. હોમકરે જણાવ્યું હતું કે શારીરિક પરીક્ષણ રાંચી, ગિરિડીહ, હજારીબાગ, પલામુ, પૂર્વ સિંઘભુમ અને સાહિબગંજ જિલ્લાના સાત કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે પલામુમાં ચાર, ગિરિડીહ અને હજારીબાગમાં બે-બે, રાંચીના જગુઆર સેન્ટર અને પૂર્વ સિંઘભૂમમાં મુસાબની અને સાહેબગંજમાં એક-એક લોકોના મોત થયા છે.

તેમણે કહ્યું કે અકુદરતી મૃત્યુના કેસ નોંધવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ મહાનિરીક્ષકે વધુમાં માહિતી આપી હતી કે 30 ઓગસ્ટ સુધી કુલ 1,27,772 ઉમેદવારોએ શારીરિક કસોટી માટે હાજરી આપી હતી. જેમાંથી 78,023 સફળતાપૂર્વક પાસ થયા હતા. હોમકરે જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પર મેડિકલ ટીમ, દવાઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોયલેટ અને પીવાના પાણી જેવી પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

તે જ સમયે, ભાજપ યુવા મોરચાએ અધિકારીઓની બેદરકારીનો આરોપ લગાવ્યો અને રાંચીના આલ્બર્ટ એક્કા ચોકમાં જેએમએમની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું.