Ahmedabad: અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે આજે અમદાવાદ જિલ્લા કલેકટર સુ પ્રવિણા. ડી. કે.એ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકાના તમામ કંટ્રોલરૂમ અને અધિકારીઓ સાથે વાતચીત કરીને જિલ્લામાં વરસાદની સ્થિતિ અને કામગીરીની કરી સમીક્ષા કરી હતી.વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરએ દરેક તાલુકામાં પડેલ વરસાદ, તાલુકાઓમાંથી પસાર થતી નદીઓના જળ સ્તરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો, વોટર લોગીંગ, શેલ્ટર હોમ્સ, સ્થળાંતરણ સહિતની બાબતોની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેકટરએ તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરીને તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અનિચ્છનીય બનાવો અથવા પૂરની સ્થિતિમાં લેવાના થતા પગલાંઓ અને કામગીરી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા તાલુકાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર ઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ઓ વગેરે જોડાયા હતા. તાલુકાના ગામોમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય, ઝાડ પડી ગયા હોય, કોઈ ઢોરનું મોત થયું હોય અથવા કોઈ સ્થળાંતર કરવું પડ્યું હોય તે સંદર્ભની તમામ માહિતી જિલ્લા કલેક્ટરએ મેળવી હતી. કોઈ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોય અને રાહતની જરૂર હોય અથવા કોઈ ટુકડીની જરૂર હોય તો તાત્કાલિક સંપર્ક કરવા માટે તેમણે સંબંધીત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું

જિલ્લા કલેકટરએ જિલ્લાના નાગરિકોને નદી – નાળા, તળાવ કે અન્ય કોઈપણ સ્થળે પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ના જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું છે. મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી હોય તેવા સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ના પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટરએ અનુરોધ કર્યો છે.