Israel: હિઝબોલ્લાની ધમકી બાદ તરત જ ઈઝરાયેલે લેબનોનમાં 100 ફાઈટર જેટ સાથે મોટો હુમલો કર્યો, ઈઝરાયેલમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે, બંને દેશો વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે, જાણો કેવી રીતે ભડક્યું છે નવું યુદ્ધ.
હાલમાં મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ખુલ્લેઆમ કહ્યું છે કે અમે અમારા દેશની રક્ષા કરવા અને ઉત્તરના રહેવાસીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પાછા લાવવા માટે કટિબદ્ધ છીએ. જે આપણને નુકસાન પહોંચાડે છે, આપણે તેને નુકસાન પહોંચાડીશું.
હિઝબુલ્લાહ તેના કમાન્ડરનો બદલો લેવા માંગે છે
હવે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે દુશ્મનાવટ એટલી વધી ગઈ છે કે બંને દેશો એકબીજા પર જોરદાર હુમલા કરી રહ્યા છે, એક તરફ ઈઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલા શરૂ કર્યા તો બીજી તરફ હિઝબુલ્લાએ મોટા ડ્રોન અને રોકેટ હુમલો કર્યો સાથે હિઝબુલ્લાહે કહ્યું કે તેણે જુલાઇમાં બેરૂતમાં ઇઝરાયેલી દળો દ્વારા તેના કમાન્ડર ફુઆદ શુકરની હત્યાનો બદલો પણ લીધો હતો.
હિઝબુલ્લાહે 300 રોકેટ છોડ્યા
લેબનોનમાં એક કમાન્ડરની હત્યાનો બદલો લેવા હિઝબુલ્લાહે રવિવારની સવારે ઇઝરાયેલ પર 300થી વધુ રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલ પર હુમલાને લઈને હિઝબુલ્લા તરફથી નિવેદન પણ આવ્યું છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે ઈઝરાયેલ પર 320થી વધુ રોકેટ છોડ્યા છે. જો કે ઈઝરાયેલ દ્વારા અત્યાર સુધીમાં 150 રોકેટની પુષ્ટિ કરવામાં આવી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે એર ડિફેન્સ સિસ્ટમના કારણે તમામ રોકેટ નષ્ટ થઈ ગયા.
ઈઝરાયેલમાં 48 કલાક માટે ઈમરજન્સી જાહેર
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે આગામી 48 કલાક માટે સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. સત્તાવાર રીતે આને હોમ ફ્રન્ટ પર વિશેષ દરજ્જો કહેવામાં આવે છે, જે IDF હોમ ફ્રન્ટ કમાન્ડને નાગરિક વસ્તી પર પ્રતિબંધો લાદવાની વિસ્તૃત સત્તા આપે છે.
ઈઝરાયેલે 200થી વધુ લક્ષ્યોને નષ્ટ કર્યા
હિઝબુલ્લાહના હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબનોનના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી હતી જ્યાં હિઝબુલ્લા સક્રિય છે. તે કહે છે કે તેઓ તરત જ ત્યાંથી નીકળી જાય. અને ચેતવણી બાદ જ ઈઝરાયેલે જોરદાર હુમલો કર્યો. IDFએ જણાવ્યું હતું કે આ હુમલાની તૈયારીઓ વિષે રવિવારે સવારે ખબર પડી હતી. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 100થી વધુ ઇઝરાયેલી ફાઇટર જેટ દક્ષિણ લેબેનોનમાં ઉડાન ભરી હતી. 200થી વધુ પ્રક્ષેપણ સ્થળો (6,000 રોકેટ અને UAV સાથે) નાશ પામ્યા. હિઝબુલ્લાહ આ 6000 રોકેટથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.
જાણો યુદ્ધની આગ શા માટે લાગી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત મહિને ઈઝરાયેલના કબજા હેઠળના ગોલાન વિસ્તારમાં એક મિસાઈલ છોડવામાં આવી હતી. આ હુમલામાં 12 યુવાનો માર્યા ગયા હતા. આનો બદલો લેવા માટે ઈઝરાયેલની સેનાએ બેરૂતમાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો હતો, જે બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ તેજ થઈ ગયું છે.
હમાસ પછી, હવે હિઝબુલ્લા સાથે સીધુ યુદ્ધ
ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરના મોત અને ઈરાનમાં શંકાસ્પદ ઈઝરાયેલ હુમલામાં હમાસના નેતા ઈસ્માઈલ હનીયાના મૃત્યુ બાદ આશંકા વધી ગઈ છે કે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલું ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પ્રાદેશિક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઇજિપ્ત હમાસ સામે ઇઝરાયેલના યુદ્ધને સમાપ્ત કરવા માટે નવા રાઉન્ડની મંત્રણાનું આયોજન કરી રહ્યું છે.
હિઝબુલ્લાહે કહ્યું છે કે જો યુદ્ધવિરામ કરાર થાય તો તે યુદ્ધ બંધ કરશે. ઑક્ટોબર 7માં હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલા શરૂ કર્યા હતા. ત્યારથી હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. હિઝબોલ્લાહ તેના સાથી હમાસ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે અને તેની પાસે મિસાઇલો સહિત 150,000 રોકેટ અને મિસાઇલોનો અંદાજિત ભંડાર છે.