Gujarat: કબાટ, તિજોરી અને ફ્રિજમાં તસ્કરોએ બધું વેર-વિખેર કરી નાંખ્યું: રોકડ રકમ, દાગીના સહિત રૂા. ૩૬ હજારની માલમત્તાની ચોરી
Gujarat: ગોંડલમાં આવેલી શિવમ રેસીડેન્સીમાં રહેતો પરિવાર રાત્રિના સમયે અગાસી પર સૂતો હતો. ત્યારે ત્રાટકેલા તસ્કરોએ ઘરમાંથી હાથફેરો કરી રોકડ અને દાગીના મળી કુલ રૂા.૩૬ હજારના મુદામાલની ચોરી નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં શિવમ રેસીડેન્સીમાં રહેતાં ચંદુગીરી કાળુગીરી ગોસાઈ (ઉ.વ.૫૫)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જામકંડોરણામાં દર્શન ટેઈલર નામની દુકાન ધરાવી દરજી કામ કરે છે. તેઓ પરિવારના સભ્યો પત્ની, પુત્ર અને પુત્રી રાત્રીના અગિયાર વાગ્યા આસપાસ ઘરે ઉપરના માળે સુવા ગયા હતાં. સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ જાગ્યા અને નીચે જઈને જોયું તો ઘરમાં નીચેના માળે મુખ્ય દરવાજો લાકડાનો હોય. તેની ઉપર મારેલું તાળુ તુટેલી હાલતમાં હતું. ઘરની અંદર પ્રથમ હોલમાં સામાન અસ્ત-વ્યસ્ત પડેલ હતો. રસોડામાં જોતા ફ્રીજ ખુલ્લુહતું. અંદરના રૂમમાં આવેલો કબાટ પણ ખુલ્લો હતો. કબાટમાં રહેલા કપડા તથા અન્ય વસ્તુઓ વેર-વિખેર હાલતમાં હતી.
જેથી કબાટની અંદરની તીજોરીમાં તપાસ કરતા સોનાની કાનમાં પહેરવાની શરની જોડી, સોનાના દાણા નંગ-૩ અને રોકડા રૂા.૧૨ હજાર ગાયબ હતાં. બાદમાં પરિવારજનોએ આજુબાજુ તપાસ કરી પરંતુ દાગીના કે પૈસા મળેલા નહીં. કોઈ અજાણ્યાં શખ્સો ઘરમાં ઘુસી દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૩૬ હજારનો મુદામાલ ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.