Online સેલર્સે ભારતમાં 1.58 કરોડ નોકરીઓનું સર્જન કર્યું છે. તેમાંથી 35 લાખ નોકરીઓ મહિલાઓને આપવામાં આવી છે. લગભગ 17.6 લાખ રિટેલ સાહસો ઈ-કોમર્સ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે એક કાર્યક્રમમાં ‘ભારતમાં રોજગાર અને ગ્રાહક કલ્યાણ પર ઈ-કોમર્સની ચોખ્ખી અસરનું મૂલ્યાંકન’ શીર્ષકનો અહેવાલ રજૂ કર્યો હતો.

ઑફલાઇન કરતાં વધુ મહિલા કર્મચારીઓ ઓનલાઇન
દિલ્હી સ્થિત નીતિ સંશોધન સંસ્થા ‘પહેલે ઈન્ડિયા ફાઉન્ડેશન’ (પીઆઈએફ) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, ઈ-કોમર્સ ભારતમાં રોજગારીનું સર્જન કરતું મુખ્ય ક્ષેત્ર છે. સરેરાશ, ઓનલાઈન વિક્રેતાઓ ઓફલાઈન વિક્રેતાઓ કરતાં 54 ટકા વધુ લોકોને રોજગારી આપે છે અને તેમની પાસે મહિલા કર્મચારીઓની સંખ્યા લગભગ બમણી છે.

નાના શહેરોમાં ઓનલાઈન શોપિંગમાં રસ વધ્યો
રીટેલ સેક્ટરમાં ઈ-કોમર્સ પ્રવેશના બે સૌથી મોટા યોગદાન રોજગારમાં વધારો અને ગ્રાહક કલ્યાણમાં સુધારો છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ભૌતિક બજારોને વિસ્થાપિત કરવાને બદલે, ઈ-કોમર્સ નાના શહેરો જેવા નવા વિસ્તારોમાં વિસ્તરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા ડેટા દર્શાવે છે કે મોટા શહેરોના ગ્રાહકોની સરખામણીમાં નાના શહેરોમાં વધુ ગ્રાહકો ઓનલાઈન શોપિંગ પર દર મહિને 5,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે.’

રિપોર્ટ અનુસાર, દરેક ઈ-કોમર્સ સેલર સરેરાશ નવ લોકોને રોજગારી આપે છે, જેમાંથી બે મહિલાઓ છે. તે જ સમયે, દરેક ઑફલાઇન વિક્રેતા લગભગ છ લોકોને રોજગારી આપે છે, જેમાંથી માત્ર એક મહિલા છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન રાજીવ કુમારે જણાવ્યું હતું કે ઈ-કોમર્સે ભારતના રિટેલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવી છે.