Girnar પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી પીઆઈએલમાં Girnar જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરનું માખિક માહિતીના આધાર પર રજૂ કરાયેલું સોગંદનામું હાઈકોર્ટે નકારી કાઢયુ હતુ. બીજીબાજુ, આ પીઆઈએલમાં હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકનો કચરો અને પ્રદૂષણ તેમ જ દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યુ હોવા મુદ્દે અદાલતનું ધ્યાન દોરાયું હતું.
દ્વારકાના દરિયામાં કેમિકલયુકત પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યુ હોવા બાબતે પણ અદાલતનું ધ્યાન દોરાયું
એડવોકેટ અમિત પંચાલે તેમની આ જાહેરહિતની રિટ અરજીમાં બેટ દ્વારકા અને પવિત્ર યાત્રાધામ દ્વારકા, તેના દરિયામાં પ્રદૂષણના મુદ્દા ઉઠાવી દેવભૂમિ દ્વારકાના કલેકટર, ઓખા નગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા માંગણી કરાઈ હતી અને આ માટે અમેન્ડમેન્ટ અરજી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
અરજદારપક્ષ તરફથી બેટ દ્વારકામાં પ્લાસ્ટિકના કચરાના પ્રદૂષણ અને દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પાણી છોડાઈ રહ્યુ હોવા અંગેનું મટીરીયલ્સ, ફોટાઓ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી આ સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યું હતું. અરજદારપક્ષ તરફથી બેટ દ્વારકાના સમગ્ર વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરા અને પ્રદૂષણના તાત્કાલિક નિવારણ માટે સરકારના સત્તાવાળાઓ અને સ્થાનિક સત્તાધીશોને આદેશ આપવા દાદ માંગવામાં આવી હતી. હાઈકોર્ટે આ અરજીની કોપી પક્ષકારોને આપવા અરજદારને જણાવ્યું હતું. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.