મુંબઈમાં થાણેના Badlapurની એક સ્કૂલમાં બે છોકરીઓના યૌન શોષણનો મામલો જોર પકડી રહ્યો છે. હવે આ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સહિત ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો, એમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

તેમણે ભારે વિરોધ વચ્ચે બદલાપુરની એક શાળામાં બે છોકરીઓના જાતીય શોષણની તપાસમાં બેદરકારી દાખવવા બદલ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે.

SITની રચના માટે આદેશ અપાયો
નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ફરજમાં બેદરકારી બદલ બદલાપુર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.”

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પહેલાથી જ બે વિદ્યાર્થીનીઓના કથિત યૌન શોષણની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે.

‘પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે’
અગાઉ ફડણવીસે થાણે પોલીસ કમિશનરને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની દરખાસ્ત તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બદલાપુરમાં બળાત્કારની ઘટના ખૂબ જ ગંભીર છે, હું આ ઘટનાની સખત નિંદા કરું છું. ફડણવીસે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે આઈજી રેન્કની મહિલા અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી છે. સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે જેથી પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળી શકે.

વિરોધ પક્ષોનો આરોપ છે કે પીડિત છોકરીઓના માતા-પિતાને તેમની ફરિયાદ લેવામાં આવે તે પહેલા બદલાપુર પોલીસ સ્ટેશનમાં 11 કલાક સુધી રાહ જોવામાં આવી હતી.