દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એક ઈવેન્ટમાં આઈએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર Gita Gopinathએ કહ્યું કે ભારત જી-20 દેશોમાં રોજગાર સર્જનમાં પાછળ છે. તેમણે કહ્યું કે વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ભારતે 2030 સુધીમાં 14.8 કરોડ વધારાની નોકરીઓ ઊભી કરવાની જરૂર છે. 2010થી શરૂ થયેલા દાયકામાં ભારતનો સરેરાશ વિકાસ દર 6.6 ટકા હતો, પરંતુ રોજગાર દર 2 ટકાથી ઓછો રહ્યો હતો. તેથી ટુંક સમયમાં ઘણી રોજગારી ઉભી કરવી પડશે.

તેમણે કહ્યું કે વધુ રોજગારી સર્જવા માટે ખાનગી રોકાણ વધારવાની જરૂર છે કારણ કે તે જીડીપીમાં સાત ટકાની વૃદ્ધિને અનુરૂપ નથી. જોકે, જાહેર રોકાણ સારું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતે તેની શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો જોઈએ જેથી કુશળ કાર્યબળનું નિર્માણ થઈ શકે. વૃદ્ધિના માર્ગે આગળ વધવા માટે વધુ સુધારાની જરૂર છે ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ભારતને આર્થિક વૃદ્ધિના માર્ગે આગળ વધવા અને દેશમાં પર્યાપ્ત રોજગાર સર્જન સુનિશ્ચિત કરવા માટે વધુ સુધારાની જરૂર પડશે.

તેમણે કહ્યું કે જો ભારત વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે તો તેને આયાત શુલ્ક ઘટાડવાની જરૂર પડશે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ગોપીનાથે કહ્યું કે વિકસિત દેશનો દરજ્જો હાંસલ કરવો એ જબરદસ્ત આકાંક્ષા છે, પરંતુ તે આપમેળે થતું નથી. આ હાંસલ કરવા માટે બહુવિધ ક્ષેત્રોમાં વ્યાપક સ્તરે સતત, સાતત્યપૂર્ણ પ્રયત્નોની જરૂર છે.

તેમણે કહ્યું કે ભારત અન્ય વિકાસશીલ દેશો સાથે સમાનતા ધરાવે છે, જ્યાં મોટાભાગની કર આવક પરોક્ષ કર છે, પ્રત્યક્ષ કર નથી. અમે અન્ય વિકાસશીલ દેશોને પણ વ્યક્તિગત આવકવેરાના આધારને વિસ્તૃત કરવાની સલાહ આપી રહ્યા છીએ, જેથી ત્યાંથી વધુ આવક મેળવી શકાય.