Ahmedabad: વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ અને રેલવે બોર્ડની સૂચનાથી અમદાવાદ મંડળ ના તમામ કાઉન્ટરો પર ક્યુઆર કોડ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. રેલવે યાત્રીઓને ટિકિટનું ભાડું ચૂકવવા માટે ક્યુઆર કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ અમદાવાદ મંડળના અમદાવાદ,મણિનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનો ના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ક્યુઆર કોડ દ્વારા રેલ ટિકિટની ચુકવણી સ્વિકારવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મંડળના અન્ય તમામ સ્ટેશનો પર પણ બિનઆરક્ષિત અને આરક્ષિત કાઉન્ટર પર ટૂંક સમયમાં જ ક્યુઆર કોડ ના માધ્યમથી ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રેલવે યાત્રીઓને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે યુટીએસ મોબાઈલ એપ, એટીવીએમ,પીઓએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ ચુકવણી ના વિવિધ વિકલ્પો અગાઉથી જ ઉપલબ્ધ છે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી પ્રણાલી હવે યાત્રીઓ ને ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.
આ પ્રયાસ રેલ યાત્રીઓને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું એક પ્રોત્સાહન છે અને તેના માધ્યમ થી ડિજિટલ ચુકવણી માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરવામાં આવી રહ્યા છે. યાત્રીઓ ને ડિજિટલ ભાડાની ચુકવણી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે છે.