Ahmedabad: રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરાશે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભવ્ય ઉજવણી થાય, તે સંદર્ભે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં આગામી તા. 8થી 13 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિશાળ તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાએ મેગા પરેડ યોજાશે, જેમાં શાળાનાં બાળકો, લોકનૃત્યના કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સંસ્થાઓ આ પરેડમાં જોડાશે.
વધુમાં જિલ્લાની તમામ શાળાઓ, ઔધોગિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, આઇકોનિક સ્થળો, ટુરિસ્ટ સ્થળો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે.
આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ તથા જિલ્લા અને તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.