Bangladeshમાં હિંસાની આગમાં સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ પછી દેશભરમાં આગચંપી અને તોડફોડ પણ થઈ હતી. અનેક શહેરોમાં લૂંટની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. ઢાકામાં લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને પીએમના નિવાસસ્થાનમાં તોડફોડ કરી, જેના ફોટા અને વીડિયો પણ વાયરલ થયા. તે જ સમયે, ઘણી વસ્તુઓ વિશે અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈએ લખ્યું કે બાંગ્લાદેશી હિન્દુ ક્રિકેટર લિટન દાસનું ઘર વિરોધીઓએ સળગાવી દીધું છે. તેના ઘરની તોડફોડ કરવામાં આવી છે, પરંતુ સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું છે.

ક્રિકેટર શેખ હસીનાની પાર્ટીમાંથી સાંસદ છે
બાંગ્લાદેશમાં વિરોધીઓએ ક્રિકેટરના ઘર પર હુમલો કરીને આગ લગાવી દીધી એ વાત સાચી, પરંતુ આ ઘર લિટન દાસનું ન હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘર બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મશરફે મોર્તઝાનું છે, જે હાલમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સાંસદ છે.

‘લોકોમાં રોષ હતો, તેથી હુમલો કરાયો’
સ્થાનિક મીડિયાએ પણ આ સમાચારને નકારી કાઢ્યા હતા. બાંગ્લાદેશના ડેઇલી ન્યૂઝપેપરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લિટન દાસ સાથે જોડાયેલા સમાચારને અફવા ગણાવી છે. તેમણે લખ્યું કે શેખ હસીનાએ દેશ છોડ્યા પછી આર્મી ચીફ જનરલે રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે ટૂંક સમયમાં વચગાળાની સરકાર બનશે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બાંગ્લાદેશના યુવાનોમાં એ વાતને લઈને નારાજગી હતી કે મુર્તઝા તેમની સાથે કેમ ઊભો નથી રહ્યો. જેના કારણે તેમના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે, સમાચાર એ પણ આવ્યા કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી, પ્રદર્શનકારીઓએ જેસોરમાં એક હોટલમાં આગ લગાવી દીધી, જેમાં ઓછામાં ઓછા 8 લોકો દાઝી ગયા અને 84 લોકો ઘાયલ થયા. હોટલના માલિક જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચકલાદાર હતા.