Ahmedabad: ૩ ઓગસ્ટ સમગ્ર દેશમાં ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધું લોકો અંગદાન કરે તે ઉમદા ભાવ સાથે સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી થાય છે. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિ અંગે જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૫૩૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કૂલ ૧૬૫૪ અંગોનું દાન મળ્યું છે. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે.
જેમાં ૯૦૮ કિડની, ૪૬૮ લીવર, ૧૧૭ હ્રદય, ૧૧૪ ફેફસા, ૧૪ સ્વાદુપિંડ, ૯ નાના આંતરડા અને ૨૪ હાથનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં ૧૭૦ અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે ૨૦૨૨ થી ૨૦૨૪ (જુલાઇ) એટલે કે ૨.૫ વર્ષમાં ૩૬૭ જેટલા અંગદાન થયા છે.

વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ગત વર્ષ ૨૦૨૩ માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ % અને અંગોના દાનમાં ૧૭૬ % નો વધારો જોવા મળ્યો છે. હાલ રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે રાજ્યમાં કુલ ૯૯ ઓર્ગન રીટ્રીવલ અને ૩૧ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે. જેના પરિણામે જ આજે જિલ્લા સ્તર સુધી અંગદાનની પ્રવૃતિને વેગ મળ્યો છે. દિલ્હી ખાતે દર વર્ષે ૩ જી ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષ્યમાં NOTTO (નેશનલ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાય છે. જેમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં થતી વિવિધ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરાય છે.

આ વર્ષે આજે ૩ જી ઓગષ્ટે દિલ્હી ખાતે કૂલ ૨૧ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી માટે બહુમાન થનાર છે. જેમાં ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર પાંચ વ્યક્તિ અને સંસ્થાઓનું બહુમાન થશે.
તદ્અનુસાર “એક્સેમ્પ્લાઇનરી વર્ક ઇન ફીલ્ડ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન” માટે I.K.R.D.C.ના ડાયરેકટર ડૉ. પ્રાંજલ મોદી, શ્રેષ્ઠ રીટ્રાઇવલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી માટે સુરત સિવિલ હોસ્પિટલ, બેસ્ટ કોર્ડિનેટર માટે સુરત સિવિલ હોસ્પિટલના ડૉ. કેતન નાયક અને બેસ્ટ સેવાભાવી સંસ્થા માટે ડોનેટ લાઇફ સંસ્થાનું બહુમાન કરાશે.

મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે, સરકાર, સમાજ , સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી અંગદાનની જનજાગૃતિ સર્વત્ર પ્રસરી છે. પરંતુ હજુ પણ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞા લઇને કોઇ જરૂરિયાતમંદને નવજીવન આપવા સંકલ્પ બધ્ધ બને તે દિશામાં કાર્ય કરવું જોઇએ. હાલ રાજ્યમાં કિડની માટે ૧૮૬૫, લીવર ૩૪૪, હ્રદય ૧૯, ફેફસા માટે ૨૭ અને સ્વાદુપિંડ માટે ૯ વેઇટીંગ છે. આ વેઇટીંગ ઘટાડવા અને નહિવત બનાવવા માટે આપણે સૌએ એકજૂટ બનીને પ્રયાસો કરવા પડશે.