કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ Gold અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં ચાંદીની કિંમત 4,500 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ હતી. હવે તેની કિંમત 84,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. 2024માં ચાંદીના ભાવમાં એક દિવસનો આ સૌથી મોટો ઘટાડો છે.

અગાઉના ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 89,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. એસોસિએશનનું કહેવું છે કે ચાંદીના ભાવમાં આ ઘટાડો સિક્કા ઉત્પાદકો અને ઔદ્યોગિક માંગના અભાવને કારણે થયો છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્વેલર્સની નબળી માંગને કારણે 99.9 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 950 રૂપિયા ઘટીને 71,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તે જ સમયે, 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 1,650 રૂપિયા ઘટીને 70,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુદ્ધતાના આ બંને ધોરણોને 24 કેરેટ પણ કહેવામાં આવે છે.

વેપારીઓનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ જ્વેલર્સ તેમજ છૂટક ખરીદદારોની માંગનો અભાવ છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા સપ્તાહે બજેટમાં સોના અને ચાંદીની આયાત પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 23 જુલાઈએ સોનાની કિંમત 3,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 3,500 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગઈ હતી. ત્યારથી સોનું રૂ. 5,900 અને ચાંદી રૂ. 11,500 ઘટી છે.