HD Kumaraswamy: કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીને નાકમાંથી લોહી નીકળવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કુમારસ્વામી રવિવારે બેંગલુરુમાં બીજેપી-જેડીએસના નેતાઓની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને તેમના નાકમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુમારસ્વામી કપડાના ટુકડાથી નાક ઢાંકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમનો શર્ટ પણ લોહીથી લથબથ થઈ ગયો હતો. જો કે આવું શા માટે થયું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તબીબો તેમની તપાસ કરી રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ પહેલા રાજ્ય બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર, કુમારસ્વામી અને રાજ્યના વિપક્ષી નેતા આર અશોકના નેતૃત્વમાં બીજેપી-જેડીએસ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડ સહિત અન્ય ઘણા ભ્રષ્ટાચારના મામલાઓની ચર્ચા થઈ હતી.
બેઠક બાદ વિજયેન્દ્રએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની કોંગ્રેસ સરકારે આદિવાસી સમાજને લૂંટ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બંને પક્ષોએ 3 ઓગસ્ટથી પદયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. બીએસ યેદિયુરપ્પા અને એચડી કુમારસ્વામી આ યાત્રામાં ભાગ લેશે. આ સાત દિવસની યાત્રા છે જે 3 ઓગસ્ટથી શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 10 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે સરકાર ભલે અમારી કૂચ રોકવાની કોશિશ કરે, અમે રોકીશું નહીં.
દરમિયાન, કર્ણાટકના એલઓપી આર અશોકે કહ્યું, “અમે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ પદયાત્રા શરૂ કરીશું. કોંગ્રેસ સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયના કલ્યાણના નાણાંની લૂંટ કરવામાં આવી છે. કર્ણાટકમાં આ એક મોટું કૌભાંડ છે અને સીએમ સિદ્ધારમૈયા તેમાં સામેલ છે. “