Jammu Kashmir ના એલઓસી નજીક કુપવાડા જિલ્લામાં આજે સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે, આ સાથે જ એક મેજર સહિત વધુ ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. ઘાયલ જવાનોને ઘટનાસ્થળેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુપવાડામાં છેલ્લા એક મહિનામાં આ ચોથી આતંકી ઘટના છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સૈનિકો મુછલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સેનાને કુમકડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જવાનોએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સેના દ્વારા વધુ જવાનો મોકલીને આ આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ હુમલામાં પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની ટીમ સામેલ છે. હુમલામાં સામેલ BAT ટીમ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરતા SSG કમાન્ડો સહિત પાકિસ્તાનની નિયમિત સેનાના સૈનિકો હોવાની શંકા છે.
Jammu Kashmirમાં એક મહિનામાં નવમો હુમલો
બુધવારે કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. એક જવાન પણ ઘાયલ થયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સેનાએ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.
અગાઉ, સેનાએ કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, જ્યારે 14 જુલાઈએ સુરક્ષા દળોએ કેરનમાં ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં સતત ગોળીબાર સંદર્ભે કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખાની મુલાકાત લીધી હતી. દ્વિવેદીએ ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત દરમિયાન સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.