• અમદાવાદમાં ૧૬૫મા આયકર દિવસ ઇન્કમટેક્સ ડે ની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
  • ઓનરીંગ ધ ઓનેસ્ટ’ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરદાતાઓનું સન્માન થયું
  • વિકસિત ભારતના નિર્માણ માટે દેશના કરદાતાઓ અને ઇન્કમટેક્સ કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ
  • ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલીમાં ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા અને સરળતા લાવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.
  • ગુજરાત કરવેરા ભરવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમને પરિણામે પ્રોસેસ સેન્‍ટ્રીક ટેક્સ સિસ્ટમ હવે પીપલ સેન્ટ્રીક બની છે.

મુખ્યમંત્રી શ્રી અમદાવાદમાં ૧૬૫મા આયકર દિવસ-ઇન્કમટેક્સ ડે ની ઉજવણીના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આયોજિત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ‘ઓનરીંગ ધ ઓનેસ્ટ’ અન્વયે કરદાતાઓનું ગૌરવ-સન્માન પણ આ અવસરે કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના સંકલ્પમાં ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને જનકલ્યાણ યોજનાઓ તથા લોકોએ ભરેલા ટેક્સનો વિકાસ કામોમાં સદઉપયોગ મહત્વપૂર્ણ બની રહેવાનો છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ટેક્સ પેયર્સ એટલે કે કરદાતા દ્વારા આપવામાં આવતો ટેક્સ આવકનું મહત્વપૂર્ણ સંસાધન છે.

ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલી અને ગતિવિધિમાં ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા અને સરળતા લાવવાનું ભગીરથ કામ વડાપ્રધાનશ્રીએ પાર પાડ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સ પેયર્સ માટે વડાપ્રધાનશ્રીએ જે સરળતા ઇન્કમટેક્સ વિભાગ મારફતે પાછલા દશકોમાં કરી આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપીલથી ટ્રાન્સપરન્સી આવી છે.

તેમણે જણાવ્યું કે, ટેક્સ પેયર્સ પ્રત્યેના વલણમાં આમૂલ બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ કરવેરા સરળ બનાવવા સાથે ટેક્સ પેયર્સની સેવાઓમાં સુધારો કરવાના પ્રયાસોની વાત કરવામાં આવી છે.

આવનારા સમયમાં ઇન્કમટેક્સ એક્ટ-૧૯૬૧ની સમીક્ષા કરીને તેને સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવવાનો વ્યૂહ પણ આ બજેટમાં છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ આપેલો વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરવામાં દેશના કરદાતાઓ અને ઇન્કમટેક્સ વિભાગના કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ બનશે એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી.

ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન છે સાથો સાથ કરવેરા ભરવામાં પણ અગ્રેસર છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

તેમણે કહ્યું કે, ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૬૪ હજાર કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. ન્યુ રિટર્ન્સ ફાઇલિંગમાં ગુજરાતનો વિકાસ દર દેશના ૩૨.૧૩ ટકા કરતાં વધુ એટલે કે, ૩૩.૪૯ ટકા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્કમટેક્સ વિભાગના કર્મીઓને દેશના વિકાસ અને આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવતા આહવાન કર્યું કે, દરેક કરદાતા રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન ઈમાનદારીથી ટેક્સ ભરીને આપે તેવું વાતાવરણ સૌ સાથે મળીને સર્જીએ.

આ પ્રસંગે રાજ્યના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર શ્રી યશવંત ચૌહાણે સ્વાગત સંબોધનમાં સૌને આવકારતા કહ્યું હતું કે, ૧૮૬૦માં નાણામંત્રી જેમ્સ વિલ્સને સૌપ્રથમ વખત બજેટમાં ટેકસના ચલણનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે વર્ષ ૧૮૬૫, ૧૯૨૨ અને ૧૯૬૧માં નવો એક્ટ લાગુ કરાયો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે દેશ અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ૨૦૨૪-૨૫ના વર્ષના રજૂ કરાયેલા બજેટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બજેટમાં જે આવક દર્શાવવામાં આવી છે તેમાંની ૪૬ ટકા જેટલી રકમ આયકર વિભાગમાંથી પ્રાપ્ત થશે. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે, દેશના વિકાસ માટે આ વિભાગ અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે TDSના મુખ્ય આયકર આયુક્ત ડૉ.બનવારીલાલે ભાવપૂર્વક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સકારાત્મક નીતિઓને કારણે આજે ધંધા-ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે અને તેના કારણે ટેક્સ કલેક્શનમાં પણ રાજ્ય અગ્રેસર છે.

તેમણે મુખ્યમંત્રીશ્રીને વિશ્વાસ અપતાં જણાવ્યું કે, તેમના માર્ગદર્શનમાં આયકર વિભાગ કરદાતાઓની સેવામાં તત્પર રહીને કાર્ય કરશે.

આ પ્રસંગે એસેસમેન્ટ યર ૨૦૨૩-૨૪માં વ્યક્તિગત શ્રેણીમાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર બે વ્યક્તિ અને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર નવી સ્થાપિત એક સ્થાનિક ઉત્પાદન કંપનીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં આયકર વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ/કર્મીઓ તેમજ કરદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.