Jammu-Kashmirના કુપવાડા જિલ્લાના ત્રિમુખા ટોપમાં મંગળવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન વિશે માહિતી શેર કરી છે. આ પહેલા મંગળવારે ઉત્તર કાશ્મીરના કુપવાડાના સરહદી જિલ્લાના લોલાબમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુપવાડાના કોવુતમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 23 જુલાઈના રોજ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 24 જુલાઈના રોજ, સતર્ક સૈનિકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિની નોંધ લેવામાં આવી હતી અને તેને પડકારવામાં આવ્યો હતો, જેના જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો અને એક NCO ઘાયલ થયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે સુરક્ષા દળોને લોલાબના ત્રિમુખા ટોપ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલ અંગે માહિતી મળી હતી. તેના આધારે કુપવાડા પોલીસે સેનાના 28 અને 22 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો સાથે મળીને વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોર્ડન કડક થતું જોઈને આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો.

પુંછમાં ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યો, એક જવાનનું બલિદાન
મંગળવારે વહેલી સવારે, સુરક્ષા દળોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સ્થિત કૃષ્ણા ઘાટીના બટાલમાં સરહદ પારથી ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. આ ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બલિદાન આપનાર સૈનિકની ઓળખ લાન્સ નાઈક સુભાષ ચંદ્ર તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સાદાબાદ તાલુકાના નાગમણી ગામનો રહેવાસી હતો.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું કે, પૂંછ જિલ્લાના મેંધર તહસીલના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં તૈનાત સેનાની 7 જાટ રેજિમેન્ટ અને 158મી કોર્પ્સના જવાનોએ સોમવારે રાત્રે ફોરવર્ડ પોસ્ટ બિછૂની આગળ બટ્ટલ નાળા પાસે ઓચિંતો હુમલો કર્યો હતો. વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે, સવારે લગભગ 3 વાગ્યે, સૈનિકોએ બેથી ત્રણ આતંકવાદીઓને પાકિસ્તાનના કબજા હેઠળના બટાલ વિસ્તારમાંથી ઘૂસણખોરી કરતા જોયા. જવાનો દ્વારા પડકારવામાં આવતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડથી લાન્સ નાઈક સુભાષ ચંદ્રા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને તાત્કાલિક ત્યાંથી ઉપાડીને એડવાન્સ પોસ્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન સેના અને ઘૂસણખોરો વચ્ચે બપોર સુધી ગોળીબાર થયો હતો. આ પછી આતંકવાદીઓ ભૌગોલિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.