• જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો
  • કુદરતી આફતો સામે નાગરિકોની સલામતી માટે રાજ્ય પ્રશાસન સુસજ્જ: મુખ્યમંત્રીશ્રી
  • ભારે વરસાદ સહિતની કુદરતી આપદામાં ઝીરો કેઝ્યુઆલીટીનો સરકારનો અભિગમ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો: ૩૧ ઇંચની કુલ સરેરાશ સામે ૫૦ ઇંચ વરસાદ પાંચ છ દિવસમાં થયો
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીમાં ફસાયેલા ૨૩ જેટલા વ્યક્તિઓને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનના સંકલનથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા
  • સ્થળાંતરિત કરાતા લોકો માટે ભોજન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા મુખ્યમંત્રીશ્રીનું પ્રશાસનને માર્ગદર્શન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું.
 
મુખ્યમંત્રીશ્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
 
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
 
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
 
મુખ્યમંત્રીશ્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો છે તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.
 
કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષનો સરેરાશ વરસાદ ૭૬૯ મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં ૯૮૦ મીમી સરેરાશ વરસાદ એટલે કે ૩૧ ઇંચની સરેરાશ સામે ૫૦ ઇંચ વરસાદ વરસ્યો છે.
 
સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા ૨૩ જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
 
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
 
મુખ્યમંત્રીશ્રીની બેઠકમાં મુખ્ય સચિવશ્રી રાજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય તેમજ પદાધિકારીઓ, ધારાસભ્ય શ્રી પબુભા માણેક, નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન મોટાણી સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.