Southern europeના ઘણા દેશો ગરમીના કારણે ખરાબ રીતે સળગી રહ્યા છે. હીટવેવના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. ભારે ગરમીને જોતા સ્પેન, ઈટાલી, ગ્રીસ, હંગેરી, નોર્થ મેસેડોનિયા, અલ્બેનિયા અને ક્રોએશિયા જેવા દેશોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગરમીથી પરેશાન લોકો માથે ભીના કપડા પહેરીને બહાર આવી રહ્યા છે. તાપમાનનો પારો દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. સર્બિયામાં કોઈ સરોવર ગરમીના કારણે સુકાઈ ગયું હોય તેવી આ પહેલી ઘટના છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયે સિસિલી અને પાલેર્મો સહિત 12 શહેરો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અથવા સૂર્યના સીધા સંપર્કમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. તેમજ લોકોને હાઇડ્રેટેડ રહેવા અપીલ કરી હતી.

ગ્રીસઃ સરકાર જનતા માટે એસી હોલ ઉપલબ્ધ કરાવી રહી છે

ગ્રીસની રાજધાની એથેન્સમાં બુધવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (109.4 ડિગ્રી ફેરનહીટ) હતું અને ગુરુવારે 43 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી હતી, ત્યારબાદ ગ્રીસના સંસ્કૃતિ મંત્રાલયે એક્રોપોલિસ પુરાતત્વીય સ્થળ સહિત દેશના તમામ પ્રવાસન સ્થળોને બંધ કરી દીધા હતા. બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. દિવસ દરમિયાન ડિલિવરી અને બાંધકામ જેવા શ્રમ-સઘન કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં નગરપાલિકાઓએ લોકો માટે રાહત શિબિર તરીકે એર-કન્ડિશન્ડ જગ્યાઓ (એસી હોલ) પ્રદાન કરી છે.

ઉત્તર મેસેડોનિયા: એક મહિનાની કટોકટીની સ્થિતિ

ઉત્તર મેસેડોનિયાના જંગલોમાં ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી છે. અધિકારીઓ જંગલોમાં એક ડઝનથી વધુ સ્થળોએ લાગેલી આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આગ ઉત્તર મેસેડોનિયાના જંગલના 30 કિલોમીટરથી વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધી છે. આગ ઝડપથી ફેલાઈ રહી છે.