Baghdadi Wife Case: પૂર્વ ISIS ચીફ અબુ બકર અલ-બગદાદીની પત્ની અસમા મોહમ્મદને ઇરાકની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે. અલ જઝીરાના એક રિપોર્ટ અનુસાર, અસમા મોહમ્મદે યઝીદી મહિલાઓના અપહરણમાં બગદાદીનું સમર્થન કર્યું હતું, ત્યારબાદ આ મહિલાઓને આતંકવાદી સંગઠનને સોંપવામાં આવી હતી. કોર્ટે આ મામલામાં અસ્મા મોહમ્મદને દોષી ઠેરવી છે.
અબુ બકર અલ-બગદાદી 2014માં ISISનો વડા બન્યો હતો. 27 ઓક્ટોબર 2019ના રોજ અમેરિકાએ સ્પેશિયલ ઓપરેશન દ્વારા સીરિયામાં ઘૂસીને આ આતંકવાદીને ઠાર માર્યો હતો. ઈરાકની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે કહ્યું કે, અસમા મોહમ્મદને હાલમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં આવી છે.
આતંકવાદીઓ મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરતા હતા
અલજઝીરાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અસમા મોહમ્મદે યઝીદી મહિલાઓનું અપહરણ કરીને તેમને પોતાના ઘરમાં રાખ્યા હતા. બાદમાં તેણે આ મહિલાઓને આતંકવાદી સંગઠન ISISને સોંપી દીધી અને આતંકી સંગઠન મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરે છે. અલ બગદાદીએ 2014માં ઈસ્લામિક સ્ટેટનો પાયો નાખ્યો હતો, ત્યાર બાદ તેણે સીરિયા અને ઈરાકના મોટા વિસ્તાર પર કબજો કરી લીધો હતો.
આતંકવાદીએ પીએચડી કર્યું હતું
કહેવાય છે કે બગદાદીનો જન્મ ઈરાકના સમરાઈ શહેરમાં એક સુન્ની પરિવારમાં થયો હતો. તેનું અસલી નામ ઇબ્રાહિમ અવવાદ ઇબ્રાહિમ અલ-બદરી હતું. બગદાદીને બાળપણથી જ ધાર્મિક બાબતોમાં રસ હતો અને તેણે બગદાદ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કર્યો હતો. બાદમાં તેણે પીએચડી પણ પૂર્ણ કરી અને ઈમામ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો અને બળવો કર્યો. બગદાદીએ આ હુમલાને ઈરાક માટે ખતરો ગણાવ્યો અને અમેરિકા પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. બગદાદીએ અમેરિકાથી બદલો લેવા માટે આતંકવાદી સંગઠનનો પાયો નાખ્યો અને પશ્ચિમી દેશો પર હુમલા કરવા લાગ્યા.