જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. સેનાની જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે આ એક આયોજનબદ્ધ આતંકવાદી હુમલો હતો. ભારતીય સેના આનો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધારાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લાના બિલવર તહસીલના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં આતંકવાદીઓએ આ નાપાક કૃત્યને અંજામ આપ્યો છે.

આ વિસ્તાર ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પહેલા શનિવારે કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા.

આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે
અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે મોદરગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત બે જવાનોએ પોતાનો જીવ આપ્યો.

આ ઓપરેશન્સ વિશે વાત કરતા પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે 6 આતંકવાદીઓનો ખાત્મો એ મોટી ઉપલબ્ધિ છે. આ સફળતા એ સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા મહિનામાં ઘણા મોટા આતંકવાદી હુમલા થયા છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 9 જૂને રિયાસી હુમલામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. હુમલામાં સાત સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.