Pakistanના સિંધ પ્રાંતમાં બે વાહનો વચ્ચે થયેલી અથડામણમાં 4 બાળકો સહિત 7 લોકોના કરૂણ મોત થયા છે. આ પહેલા એબોટાબાદના લીરાન ગામમાં 23 મેના રોજ થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.

કરાચી:  Pakistanના સિંધ પ્રાંતમાં એક ઝડપી વાહન ટ્રેલર ટ્રક સાથે અથડાઈને પલટી જતાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત પ્રાંતીય રાજધાની કરાચીમાં ત્યારે થયો જ્યારે ટ્રેલર ટ્રકે યુ-ટર્ન લીધો અને પાછળથી આવતી મીની બસ તેની સાથે અથડાઈ અને પલટી ગઈ. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક જ પરિવારના ચાર બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ બધા હોક્સબે બીચ પર ફરવા ગયા હતા. “તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રેલર સાથે અથડાયા પછી પલટી ગઈ,” તેણે કહ્યું.

દરમિયાન, આ અકસ્માત પછી, ટ્રેલર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો, મૌરીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી ચૌધરી તુફૈલે જણાવ્યું હતું કે આ ઘટનામાં અન્ય છ લોકો ઘાયલ થયા છે અને તેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. મૃતકોના મૃતદેહોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલ કરાચી (CHK) ખાતે ખસેડવામાં આવ્યા છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં, તેમણે CHK, જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર અને SMB ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોમાના વહીવટીતંત્રને ઇજાગ્રસ્ત મુસાફરોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ રિપોર્ટ માંગ્યો

મુખ્યમંત્રીએ સિંધના મહાનિરીક્ષક ગુલામ નબી મેમણને આ ઘટના અંગે વિગતવાર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આવા અકસ્માતો અટકાવવા પોલીસને કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. સિંધના મુખ્ય પ્રધાન શાહના નિવેદનમાં ટાંકવામાં આવ્યું હતું કે, “વ્યસ્ત રસ્તાઓ પર પણ વધુ ઝડપે વાહન ચલાવતા ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ.” ઝડપને કારણે સુખી પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને નિર્દોષ બાળકો જીવ ગુમાવી રહ્યા છે.”