અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા. વડાપ્રધાનએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.