હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ગઇકાલે મોડી રાતે અમદાવાદના અનેક વિસ્તારો તેમજ ગાંધીનગરમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગઇકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો, તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે હવે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના મેમદાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે. તેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.