આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી.
દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. ત્યારે આજે 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરવામાં આવશે. ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે. ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે.
ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે. જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. અહીં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે.108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે.
જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.