ગરમીના પ્રકોપથી રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઇ-બાઇકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરતમાં ઇ-બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે આગના કારણે નજીકમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આગ લાગતાં ત્રણ લોકો મકાનમાં ફસાય ગયા હતા. જણાવી દઈએ કે, આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત 18 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા છે. ઘરમાં ફસાયેલા લોકોને સલામતી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો હાલ સારવાર હેઠળ છે.

ઇ-બાઇકની નજીકમાં મૂકવામાં આવેલા LPG સિલિન્ડરમાં આગ લાગી હતી. જેના પગલે LPG સિલિન્ડર પણ બ્લાસ્ટ થતાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા અને અફરાતફરી મચતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.આ સમગ્ર ઘટના દરમિયાન આગને કારણે મકાનમાં લોકો ફસાયા હતા. ત્રણ વ્યક્તિ ઘરના ત્રીજા માળે ફસાયા હતા. જેમાં એક મહિલા, બાળક અને ઉંમરલાયક વ્યક્તિ હતા. જ્યારે આગમાં વૃદ્ધ દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. .ફાયર વિભાગ દ્વારા તમામનું TTL હાઇડ્રોલિક મશીન વડે સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.