પશ્ચિમ બંગાળમાં TMC પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ પર હવે ક્રિકેટર એક્શન મોડમાં છે. યુસૂફ પઠાણ પર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને આ પ્લોટ ખાલી કરવા માટે વીએમસી દ્વારા ખાલી કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ મામલે યુસુફ પઠાણે હવે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

મળતી માહિતી અનુસાર ક્રિકેટર પર સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ છે. યુસુફ પઠાણના વકીલે કહ્યું કે, જમીન VMCની જનરલ બોડીએ આપી છે તો પછી રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે, વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે, હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. આ અંગે વધુ સુનાવણી આવતીકાલે થશે. આવતીકાલે VMCના વકીલ યુસુફના કેસમાં ઉપસ્થિત થશે.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટરે વડોદરામાં વિવાદિત જમીન મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે જણાવ્યું છે કે, 2012માં જમીન માટે અરજી કરી હોવાની યુસુફની રજૂઆત કરી છે.આ અંગે હાઇકોર્ટે કહ્યું છે કે 10 વર્ષ સુધી તમે કેમ કંઈ કર્યું નહી ? તો પઠાણે આરોપ લગાવતા કહ્યું છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા છે અને હું અલગ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યો માટે હેરાન કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે.