‘IQAIR’ના રિપોર્ટ અનુસાર વિશ્વના 10 વાયુ પ્રદૂષિત દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના 83 શહેરોની હવા વિશ્વ આરોગ્ય સંસ્થાની હવાની ગુણવત્તાની માર્ગદર્શિકા કરતા પણ ખરાબ છે. હવે વધુ એક અહેવાલે ભારતીયો માટે ચિંતા વધારી છે. બુધવારે જાહેર કરાયેલ સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, 2021માં 5 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 1.6 લાખ બાળકો વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
રિપોર્ટ અનુસાર, 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે 80 લાખથી વધુ લોકોના મોત થયા છે. જેમાં ભારતમાં 21 લાખ અને ચીનમાં 23 લાખ લોકોના મોતનો સમાવેશ થાય છે. ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પર આધારિત અંદાજો અનુસાર દક્ષિણ એશિયામાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયુ પ્રદૂષણ સંબંધિત મૃત્યુદર દર 100,000 દીઠ 164 છે. જ્યારે વિશ્વની સરેરાશ 100,000 દીઠ 108 છે.
ભારતમાં સૌથી વધુ બાળકોના મોત થયા છે
2021માં વાયુ પ્રદૂષણે ભારતીય બાળકોને સૌથી વધુ નિશાન બનાવ્યા છે. 2021 માં બાળકોના મૃત્યુમાં ભારતમાં 1,69,400 નાઇજિરીયામાં 114,100, પાકિસ્તાન, ઇથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100નો સમાવેશ થાય છે.
બાળકોને વધુ અસર થઈ રહી છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી રહી છે. બાળકો વાયુ પ્રદૂષણને કારણે થતા રોગો માટે સંવેદનશીલ હોય છે અને વાયુ પ્રદૂષણથી થતા નુકસાનની શરૂઆત ગર્ભાશયમાં થઈ શકે છે. જેની અસર સ્વાસ્થ્ય પર જીવનભર રહી શકે છે.
બાળકોમાં વાયુ પ્રદૂષિત રોગોના ચિહ્નો
બાળકોમાં જોવા મળતી પ્રદૂષણ-સંબંધિત સ્વાસ્થ્ય અસરોમાં અકાળ જન્મ, ઓછું જન્મ વજન, અસ્થમા અને ફેફસાના રોગોનો સમાવેશ થઈ શકે છે. 2021 માં, 5 વર્ષથી ઓછી ઉંમરના 2,60,600 થી વધુ બાળકો વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાને કારણે મૃત્યુ પામ્યા હતા, જે કુપોષણ પછી દક્ષિણ એશિયામાં આ વય જૂથ માટે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું હતું.