છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સ્કુલ વાન અને રિક્ષાની હડતાળને લઇને વાલીઓ હેરાન પરેશાન હતા. જોકે, હવે સ્કૂલ વાન અને રિક્ષાની હડતાળને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખરે અમદાવાદના સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ છે. બે દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સ્કૂલ વાન ચાલકોની વાહન પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટની માંગને લઇ 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદ RTO એ વાત સ્પષ્ટ કરે છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાનછોડ નહીં થાય. 45 દિવસના આ સમય દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે તે પરમિટ વગરના વાહન ચાલકની રહેશે.

તમને જણાવી દઇએ કે, RTO અધિકારી જે. જે. પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ માત્ર 800 થી 1000 જેટલા વાહનોને જ સ્કૂલ વાહનની પરમિટ છે. આ તમામ વાહનોની પરમિટ માટે ત્રણ મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો જે મામલે એસોસિએશનના સભ્યોની બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા થઈ હતી અને આખરે સ્કૂલ વેનચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.