NEET Scam: પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો યુ-ટર્ન જોવા મળી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ વચ્ચે, તેમણે સ્વીકાર્યું છે કે NEET પરીક્ષાના પરિણામોમાં કેટલીક ગેરરીતિઓ થઈ છે અને આમાં સંડોવાયેલા કોઈપણ વરિષ્ઠ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. તેમણે એ પણ સ્વીકાર્યું કે NTAમાં સુધારાની જરૂર છે.
NEET પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિને લઈને દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ NTAનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, NSUI, AISA, SFI અને ABVP જેવી મોટી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠનો પણ વિદ્યાર્થીઓની સાથે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, બિહારના પટના-નાલંદા અને ગુજરાતના ગોધરામાં NEET પેપર લીક તરફ ઈશારો કરતા ઘણા પુરાવા મળ્યા છે, ધરપકડ કરવામાં આવી રહી છે. બિહારમાં પકડાયેલા ઘણા આરોપીઓએ EOUની પૂછપરછ દરમિયાન પેપર લીક અને એજન્સીના અધિકારીઓ સાથે સાંઠગાંઠની કબૂલાત કરી છે. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પણ NEETમાં ગેરરીતિનો સ્વીકાર કર્યો છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, “NEETના સંબંધમાં બે પ્રકારની અનિયમિતતાઓ સામે આવી છે. પ્રારંભિક માહિતી એવી હતી કે કેટલાક વિદ્યાર્થીઓને ઓછા સમયના કારણે ગ્રેસ નંબર આપવામાં આવ્યા હતા. બીજી કેટલીક અનિયમિતતાઓ સામે આવી છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપું છું કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
તેમણે વધુમાં કહ્યું કે અમને માહિતી મળી છે, અમે તમામ મુદ્દાઓને નિર્ણાયક તબક્કામાં લઈ જઈશું. જે પણ વરિષ્ઠ અધિકારીઓ હશે તેમને બક્ષવામાં આવશે નહીં. NTA માં ઘણા સુધારાની જરૂર છે. સરકાર આને લઈને ચિંતિત છે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા મળશે.
ગયા શનિવારે ધર્મેન્દ્ર પ્રધાન તેમની ઓફિસમાં કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ અમને મળવા માગતા હતા તેમને મેં બોલાવ્યા, તેમના માતા-પિતા પણ આવ્યા, હું તેમને મળ્યો. મેં તેમની બાજુ સાંભળી અને તમામ વિદ્યાર્થીઓને ખાતરી હોવી જોઈએ કે પારદર્શક પ્રક્રિયા અનુસરવામાં આવશે.
તેમણે કહ્યું કે 24 લાખ વિદ્યાર્થીઓ અરજદાર હતા, અને 23 લાખ 30 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, તે સ્વાભાવિક છે, તેમના મનમાં ગમે તેવી શંકાઓ આવે, કેટલાક મુદ્દા ધ્યાનમાં આવ્યા કે ગ્રેસ માર્કસ માટે કેન્દ્રમાં કેટલીક ગેરરીતિઓ જોવા મળી હતી. સમયની અછતને કારણે, ગ્રેસ માર્ક્સ આપવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલામાં કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, જે સુધારી પણ લેવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટે તેમને આવતીકાલે ફરી પરીક્ષા લેવાની પરવાનગી આપી છે, એમ તેમને જણાવવામાં આવ્યું છે. જેઓ પરીક્ષા આપવા માંગતા હોય તેઓ ત્યાં પણ પરીક્ષા આપી શકે છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે, પ્રથમ વખત, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET પરીક્ષાના પરિણામોને લઈને આવું પગલું ભર્યું છે, જેના કારણે પરીક્ષામાં ગેરરીતિઓને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. NEET પરીક્ષાના પરિણામોમાં અનિયમિતતાઓને લઈને દિલ્હી હાઈકોર્ટ સહિત સાત હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટ 8 જુલાઈએ જોડીને સુનાવણી કરશે. તેમાં NEET પેપર લીક અને CBI તપાસની માંગ કરતી અરજીનો પણ સમાવેશ થાય છે.