અંગદાનને મહાદાન માનવામાં આવે છે. જેનાથી અન્ય વ્યક્તિને જીવન જીવવા માટે નવું જીવન મળે છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ગુપ્ત દાન થકી અંગદાન કરાયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ ૧૫૬ માં અંગદાનની વાત કરીએ તો મજુરી કામ કરતા ૪૧ વર્ષીય પુરુષ ને તારીખ ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ અકસ્માત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા.


સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. ૧૨-૦૬-૨૦૨૪ ના રોજ તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા.
સિવિલ હોસ્પિટલ ના તબીબોની ટીમે યુવક્ના પરીવારજનોને તેમના બ્રેઇન ડેડ હોવાની જાણ કરીને અંગદાન વિશે સમજાવતા તેઓએ અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો.


આ ગુપ્ત અંગદાન થકી બે કીડની, એક લીવર તેમજ હદયનું દાન મળ્યુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , આ ગુપ્ત અંગદાનથી મળેલ કીડની તેમજ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે .


તેમજ હ્યદયનું દાન સિવિલ મેડીસીટી કેમ્પસ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરી કુલ ચાર લોકોની જીંદગી બચાવી શકીશુ. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૬ અંગદાતાઓ થકી કુલ ૫૦૫ અંગો તેમજ ચાર સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૪૮૯ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.