કુવૈતમાં આગ ફાટી નીકળ્યા બાદ 40 ભારતીય સહિત 49 લોકોના મોત થયા છે. કુવૈતમાં મંગફની એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં કુલ 49 લોકોના મોત થયા છે. જેમાંથી 40 લોકો ભારતીય છે તો બાકીના પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશોના છે. પ્રાથમિક વિગતો મુજબ કુવૈતના મંગફ વિસ્તારમાં વિદેશી કામદારો રહેતા હતા તેવી એક બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ આગની જ્વાળા એવી હતી કે કોઈને બચવાનો મોકો પણ ન મળ્યો. થોડી જ વારમાં લાશોના ઢગલા થઈ ગયા. વિગતો મુજબ જ્યારે ઈમારતમાં આગ લાગી ત્યારે બધા સૂઈ રહ્યા હતા. આ બિલ્ડિંગમાં લગભગ 195 લોકો રહેતા હતા. તેમાંથી 92 લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે જ્યારે 20 લોકોના જીવ તેમની નોકરીના કારણે બચી ગયા હતા.
કુવૈતના મંગફ વિસ્તારમાં વિદેશી કામદારો રહેતા હતા તેવી એક બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ અફરાતફરીના માહોલ વચ્ચે 49 લોકોના મોત થયા છે. આ તરફ જ્યારે આગ લાગી ત્યારે તમામ કામદારો ઊંઘી રહ્યા હતા. 195 લોકોમાંથી બધા બિલ્ડિંગમાં હતા જેમાંથી 49 લોકોના મોત થયા છે જ્યારે 92 લોકો સુરક્ષિત છે. પરંતુ 20 લોકો નાઇટ ડ્યુટી પર હોવાથી તેમનો જીવ બચી ગયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કુવૈતના દક્ષિણ અહમદી ગવર્નરેટના મંગફ વિસ્તારમાં છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. બિલ્ડિંગનો માલિક કુવૈતનો નાગરિક છે અને બિલ્ડિંગ બનાવનારી કંપની પણ કુવૈતની છે. આ સાથે તેમાં રહેતા 195 મજૂરો આ જ NBTC કંપનીના હતા. કેટલાક લોકોના મોત આગના કારણે તો કેટલાકના શ્વાસ રૂંધાવાને કારણે થયા હતા. આ તરફ કેટલાક કામદારો બિલ્ડીંગ પરથી કૂદવાને કારણે મૃત્યુ પામ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે ક, રસોડામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાથી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.
સમગ્ર ઘટનાને લઈ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે અધિકારીઓનેતપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમણે આ દુર્ઘટના માટે જવાબદારોને સજા આપવાનું વચન આપ્યું હતું.દેશના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ ખાલિદ અલ-હમદ અલ-સબાહ અને વડા પ્રધાન શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. કુવૈતના આંતરિક પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ સબાહે આગની ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો અને અલ-મંગફ બિલ્ડિંગના માલિક અને ચોકીદારની ધરપકડ કરવા સૂચનાઓ જાહેર કરી હતી. કુવૈત ટાઈમ્સે અલ સબાહને ટાંકીને કહ્યું કે, આજે જે થયું તે કંપની અને બિલ્ડિંગ માલિકોના લોભનું પરિણામ છે.
આ આગ અલ-મંગફ નામની બિલ્ડિંગમાં લાગી હતી. આ આગમાં કુલ 49 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 40 થી 42 ભારતીય હોવાનું મનાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ‘દુઃખદ’ ગણાવી હતી. PM મોદીએ વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય ક્વાત્રા, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ ઘટનાથી ઉદ્ભવેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે PM રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીની સૂચના પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગમાં ઘાયલ ભારતીયોની સહાયની દેખરેખ કરવા અને ભારતીયોને વહેલા સ્વદેશ લાવવામાં સહયોગ કરવા કુવૈત જઈ રહ્યા છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના કુવૈતી સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે ફોન પર વાત કરી અને તેમને વિનંતી કરી કે આગને કારણે જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહો જલ્દીથી ભારત મોકલવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોટાભાગના ભારતીયો કેરળના છે.