મુંબઈ પોલીસે એપ્રિલમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે તેનું અને તેના ભાઈ એક્ટર અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું છે. સલમાન ખાને પોતાના નિવેદનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારાકથિત રીતે તેમના ઘર પર ગોળીબારની ઘટનાને લઈને તેના પરિવારની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી. બુધવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઘટના અંગે સલમાન ખાનને તેનું નિવેદન નોંધવા માટે બોલાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારીઓ આ મહિનાની શરૂઆતમાં બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા જ્યાં અભિનેતાનો પરિવાર રહે છે.

અધિકારીએ જણાવ્યું કે 4 જૂને લગભગ ચાર કલાક સલમાનનું નિવેદન અને બે કલાકથી વધુ સમય સુધી તેના ભાઈ અરબાઝનું નિવેદન નોંધવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. કેટલાક અખબારી અહેવાલોમાં અભિનેતાના મુંબઈ પોલીસને આપેલા નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અભિનેતાએ કહ્યું કે ગોળીબારની આ ઘટના અમારા માટે એક ગંભીર ખતરો છે. અભિનેતાએ કહ્યું કે ગોળીબાર બાદ તેણે પોતાની ગેલેરીમાંથી પણ ચેક કર્યું, પરંતુ બહાર કોઈ ન દેખાયું. થોડા સમય પછી, બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેને ઘટનાની જાણ કરી. પોતાનું નિવેદન નોંધતી વખતે, અભિનેતાએ કહ્યું કે તે આવા ગુનાઓ માટે નિશાન બનાવવાના કારણે સખત પરેશાન અને થાકી ગયો છે. તેણે કહ્યું કે તેણે પહેલેથી જ ઘણું સહન કર્યું છે અને ઘણી અદાલતો દ્વારા લગાવવામાં આવેલ દંડ પણ ચૂકવી દીધા છે.