છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકાળી રહી હતી. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને પણ આગાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે તો ખેલૈયાઓ માટે નડતરરૂપ રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વખતે સારો વરસાદ પડી શકે છે. ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી શકે છે. નોંધનીય છે કે હવે નવરાત્રીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે ખેલૈયાઓ પણ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે આ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે શનિવારથી મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે. શુક્રવાર અને શનિવારે છ, રવિવારે 12, સોમવારે 13 જ્યારે મંગળવારે 17 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.