લોકસભા ચૂંટણીમાં ભાજપની દરેક બેઠક કરતા વધારે ગેનીબેન ચર્ચામાં રહી છે. એકમાત્ર ગેની બેને ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી અને જીત હાંસલ કરી છે. ત્યારે આ વચ્ચે હવે ગેનીબેન ઠાકોરના એક નિવેદનથી કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે.
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની અનેક ખામીઓ વિશે પાર્ટીને સલાહ આપી હતી. પરંતુ બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે વિરોધ નોંધાવતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના નવનિયુક્ત સંસદ ગેનીબેનના કોંગ્રેસ સંગઠન વિશેના નિવેદનને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ખફા થયા છે. ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરી ગેનીબેન ઠાકોરના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે સંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પક્ષની ઝીરો ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની સિસ્ટમમાં ભાજપ કરતાં ઉણપ છે. જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના દમ અને સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવી પડે છે. આ નિવેદન બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ થયા હતા અને તેમણે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને ગેનીબેન ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જીત માટે જિલ્લાના તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. બહાર રહેતા લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવી મતદાન કરાવનાર લોકોનો આભાર માન્યો હતો. ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી.