રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગકાંડમાં અધિકારીઓ સાથે પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટમાં પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાએ એસઆઇટીની પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જેમા તેણે ભાજપના પદાધિકારી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. ભાજપના એક નહીં પરંતુ ત્રણથી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું છે.
એસઆઈટી પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાની પૂછપરછ કરી રહી છે. આ પૂછપરછમાં એસઆઇટીને મોટી માહિતી મળી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાએ ખુલાસો કર્યો છે કે, ‘ભાજપના પદાધિકારીના કહેવાથી ગેમઝોનનું ડિમોલીશન રોકવામાં આવ્યુ હતુ.’ જોકે કયા પદાધિકારીનું નામ એમ ડી સાગઠીયાએ પૂછપરછમાં આપ્યું છે તે અંગે એસ.આઇ.ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરી નથી. ભાજપના એક નહીં પરંતુ ત્રણથી વધુ પદાધિકારીઓના નામ પૂછપરછમાં ખુલ્યા હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, રાજકોટમાં પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓ લાંબા સમયથી બિલ્ડીંગ પ્લાન મંજુર-નામંજુર કરવો, ગેરકાયદે બાંધકામની નોટિસ આપવી અને તેનો અમલ કરવો કે ન કરવો સહિતનો વહીવટ કરતા રહ્યા છે.
પહેલીવાર આવી કામગીરીની વિશાળ સત્તા ધરાવતા ટી.પી.ઓ.ની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ગુનામાં ધરપકડ કરીને પોલીસે પુછપરછ શરૂ કરી છે. ત્યારે પોતાને બચાવવા સાગઠિયા સહિતના આરોપીઓ મોટા માથાના નામ આપી દીધાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
નોંધનીય છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે જૂનમાં TRP ગેમ ઝોનને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એક વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની માહિતી મળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તે સમયે કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલ હતા. ટીઆરપી ગેમ ઝોનમાં 25મી મેના રોજ આગ લાગી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનાના કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન દેસાઈની સ્પેશિયલ બેચ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.