NSUI જૂનાગઢ પ્રમુખ સંજય સોલંકીના અપરહણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ જાડેજાની જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચે બુધવારે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. નોંધનીય છે કે, ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. હવે આ મુદ્દો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જુનાગઢ અનુસૂચિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુભાઇ સોલંકીએ મહારેલીની જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે, આજે જૂનાગઢમાં દલિત સમાજ આંદોલન કરવાનું હતુ જે ગણેશ જાડેજાની ધરપકડ બાદ બંધ રાખવામાં આવ્યુ હતુ.
સંજય સોલંકીના પિતા રાજુભાઇ સોલંકીએ જૂનાગઢના આંદોલનને બંધ રાખવાના નિર્ણય બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, અમારી માંગ હતી કે, ગણેશ જાડેજાને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. પોલીસની કામગીરી પર અમને શંકા નથી. પોલીસને કારણે અમારે કાયદો અને વ્યવસ્થા બરાબર ચાલે છે. ગીતાબેનનો દીકરો જે રાજાશાહીમાં જીવતા હતા તેને અમે લોકશાહીનો અનુભવ કરાવ્યો છે. દલિત સમાજનો હું આભારી છુ. અમારા સમાજે નક્કી કર્યુ છે કે, અમારી કોઇ લડાઇ કોઇ પક્ષ સામે નથી પરંતુ માત્ર અને માત્ર જયરાજસિંહ અને તેના પરિવાર સામે છે. ક્ષત્રિય સમાજના લોકો સામે પણ અમારે વાંધો નથી પરંતુ જયરાજસિંહ અને તેના પુત્રની દબંગાઇની સામે આમારે વાંધો છે.
આ સાથે તેમણે મહારેલીની જાહેરાત કરતા જણાવ્યુ કે, ગણેશ ગોંડલની ધરપકડ થઇ ગઇ છે એટલે આપણો આજનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. પણ ગણેશની દબંગાઇ સામે આપણે 12 તારીખે ગોંડલમાં રેલી કરવાની છે. દલિત અને પાટીદારો પર જે અત્યાચાર થાય છે તે રોકવા માટેની આપણી લડાઇ છે.