27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે એટલે કે, 6 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જજ બિરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ ફાયર દુર્ઘટના સમયે PIL કરનાર એડવોકેટ અમિત પંચાલ હાઈકોર્ટ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાને રજૂ કરતાં એડવોકેટ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા શાહ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ફાયર ઓફિસરો પણ કોર્ટમાં હાજર હતા.તેમજ એડવોકેટ અમિત પંચાલે કહ્યું કે, અગાઉ આગ લાગ્યા બાદ આ બીજી ઘટના છે, પણ કોઈ પગલાં નથી લેવાયા, બાદમાં દુઃખ વ્યક્ત કરે છે. રાજ્ય સરકાર 4 લાખ વળતર આપીને છૂટી જાય છે. 10 દિવસમાં SITના ફાઇનલ રિપોર્ટની વાત રાજ્ય સરકાર કરતી હતી હવે 28 જૂન કહે છે. રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. ફાયર NOC કે BU પરમિશન TRP પાસે નહોતી. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી મીડિયામાં ફક્ત દેખાડો કરાય છે. કોર્ટ લોકશાહીનો ત્રીજો પાયો છે.

હાઇકોર્ટ આજે RMC ઉપર બરાબરની ગરજી હતી, કહ્યું હતું કે, ગેમ ઝોન શરૂ થયું તે વખતના RMC કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? તમે રમતો રમો છો, બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર ઢોળી રહ્યા છો. 28 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે IPCની કલમ કેમ નહિ? બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, પુરાવા દૂર કરવા કોણે આદેશ આપ્યા? રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ના કરી શકું. રાજ્ય સરકારે બ્રિજેશ ત્રિવેદીને બોલવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો. SITએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ મોક ડ્રિલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.